( પ્રતિનિધી )વડોદરા,તા.8
વડોદરામાં કમોસમી વરસાદ બાદ મગરોએ ફરી દેખા દીધી હતી. જોકે આ વચ્ચે કાચબાઓ પણ હવે માર્ગ પર આવી જતા હોવાના કિસ્સા બન્યા હતા. અટલાદરા બાદ કલાલી તળાવમાંથી કદાવર કાચબો જાહેર માર્ગ પર આવી પહોંચ્યો હતો. જેને જોઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં કુતુહલ સર્જાયું હતું.



કમોસમી વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વન્યજીવોએ દેખા દીધી હતી. ખાસ કરીને દર વખતની જેમ આ વર્ષે પણ મગરો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે શાહુડી પણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી હતી. જ્યારે થોડા દિવસો પૂર્વે અટલાદરા તળાવમાંથી આશરે 150 થી 200 કિલો વજન ધરાવતો મહાકાય કાચબો માર્ગ પર આવી જતા પ્રાણી પ્રેમીઓ દ્વારા તેને સહીસલામત તેના વાતાનુકુલીત વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો હતો. જે બાદ કલાલી તળાવમાંથી પણ બહાર આવી મહાકાય કાચબાએ જાહેર માર્ગ પર લટાર મારી હતી. મોટી ઉંમરનો કદાવર કાચબો જાહેર માર્ગ પર નીકળતા રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું હતું. જાહેર માર્ગ પર લટાર મારવા નીકળેલા કાચબાની ઝલક જોવા વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવ્યા હતા. કાચબા અંગેની જાણકારી જીવદયા કાર્યકરને આપવામાં આવતાં કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાર્થભાઈ નામના કાર્યકરે સિફતથી કાચબાનું રેસ્ક્યુ કરીને પુનઃ કલાલી તળાવમાં છોડી દેવાયો હતો.