વર્ષોથી રોડ નહીં બનતા લોકોને અવરજવરમાં મુશ્કેલી
અધિકારીઓ અને કોર્પોરેટરો સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપ


( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી તરફ જવાનો માર્ગ બિસ્માર બન્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી રોડ બન્યો નથી. કોર્પોરેટરો અને અધિકારીઓ ફોન નહીં ઉપાડતા હોવાના આક્ષેપ સાથે સોસાયટીના લોકોએ આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા આવવું નહીં તેવા બેનરો મારીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે પાલિકાના દક્ષિણ ઝોન અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર તરફ જવાના માર્ગની દયનિય હાલત થઈ છે. વિસ્તારના લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ ગોઠવી પડી રહી છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના લોકોએ ગેટ પર ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી આક્રોશ આવ્યો હતો. સ્થાનિકોના કહ્યા મુજબ આખા રોડ પર એટલી ખરાબ પરિસ્થિતિ છે કે હવે ના છુટકે બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે, આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા આવું નહીં. કોર્પોરેશન માંથી આવીને જોઈને ગયા અને કહે છે કે, દશેરાના દિવસે અમે મુરત કરીશું અને રોડ બનાવીશું પણ ત્યાર પછી આજે આટલા દિવસ થયા પણ કોઈ ફરક નથી. ફોન કરવામાં આવ્યા તો અધિકારીઓ ઉઠાવતા નથી. આ માર્ગ ઉપરથી કોઈ અત્યારે પસાર થાય તો એમના કપડાના કલર પણ બદલાઈ જાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ વિસ્તારમાં જોવા આવતા નથી અને વાતો સાંભળતા નથી. અધિકારીઓને પણ કંઈ પડી નથી, આ વિસ્તારમાં ગટરોના ઢાંકણા પણ તૂટી ગયા છે અને બીજી તરફ વિકાસની વાતો કરવામાં આવી રહી છે. જો આગામી સમયમાં આ રોડની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો હાલમાં તો સ્થાનિક લોકોએ સોસાયટીમાં બેનર લગાવી દીધું છે. હવે આગળ પાલિકામાં આંદોલન કરવામાં આવશે.
ચૂંટણીમાં હવે બતાવીશું કે પરિવર્તન કોને કહેવાય
ખેતર જેવો રસ્તો થઈ ગયો છે. સ્કૂલની વાનો જાય છે નાના બાળકો પસાર થાય છે સિનિયર સિટીઝનો પણ અહીંથી જ જાય છે. જો કોઈ પડે તો એને દવાખાને લઈ ગયા વગર છૂટકો નથી આટલી બધી રજૂઆતો કરી અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરી દશેરાએ થઈ જશે રોડ ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી રોડ બન્યો નથી. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં હવે બતાવવું પડશે કે પરિવર્તન કોને કહેવાય. આજે 30 વર્ષમાં એક પણ વખત આ રોડ બન્યો નથી. : મનીષ તડવી, સ્થાનિક