
વડોદરામાં શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રે ગેરકાયદે ઢોરવાડા તોડવાની અને ગંદકી ફેલાવનારા ઢોરવાડા માલિકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન હેઠળ આજે અટલાદરા, ભીમ તળાવ અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરમાં ગેરકાયદેસર બનેલા ઢોરવાડા તોડવામાં આવ્યા હતા. પાલિકાએ અટલાદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં, વોર્ડ નંબર 11 અને 12માં આવેલ ચામુંડા નગર અને ભીમ તળાવ વિસ્તારમાં કુલ 8 ઢોરવાડા તોડ્યા હતા. આ વાડાઓમાં રાખેલા ઢોરોના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક રહીશો તકલીફ ભોગવી રહ્યા હતા. ગંદકી સામે કડક પગલાં લેતા પાલિકાએ 9,000 રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો. પાલિકા દ્વારા અટલાદરા અને ભીમ તળાવ વિસ્તારમાં વસવાટ કરતા 8 ઢોરવાડા માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરીજનોના આરોગ્ય અને શહેરના સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને, પાલિકા તંત્ર આગામી દિવસોમાં શહેરમાં ગેરકાયદેસર ઢોરવાડા અને ગંદકી ફેલાવતા ઢોરવાડા માલિકો સામે વધુ કડક કાર્યવાહી કરશે. તંત્રએ લોકોને અપિલ કરી છે કે તેઓ ઢોરવાડાને ગેરકાયદેસર જગ્યાએ રાખવાને બદલે નિયમિત અને સ્વચ્છતાપૂર્વક વ્યવસ્થા કરે.
દંડ ભરનાર ઢોરવાડા માલિકો:
પ્રદીપ ગભુલાલ માચી (ચામુંડા નગર, ભીમ તળાવ)
ગેલા દેહુર ભરવાડ
પ્રવીણ સોરઠીયા
અનુપ ગભરા ભરવાડ
ધુડા દેહુર ભરવાડ
વિજય ભોપા ભરવાડ
પેથું જેકસન ભરવાડ
લાલા ભોજા ભરવાડ
7000 રૂપિયાનો દંડ અને 8 ઢોરવાડા તોડાયા
ચામુંડા નગર (ખિસકોલી સર્કલ): 1 ઢોરવાડો તોડવામાં આવ્યો અને 2000 રૂપિયાનો દંડ વસૂલ થયો.
ભીમ તળાવ (અટલાદરા): 7 ઢોરવાડા તોડવામાં આવ્યા અને 7000 રૂપિયાનો દંડ વસૂલ થયો.
