કચરો લેવા બાબતે થયેલી બોલાચાલીમાં સ્થાનિક રહીશ દંડો લઈને ધસી આવ્યો, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.8
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ફરજ બજાવતા કોર્પોરેશનના એક મહિલા સફાઈ કર્મચારી પર સ્થાનિક રહીશ દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રહીશે હાથમાં દંડો લઈને મહિલા કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ સફાઈ કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હંમેશની જેમ અટલાદરા રોડ પર આવેલી એક સોસાયટીના વિસ્તારમાં સફાઈ કામગીરી અને કચરો એકત્રિત કરવાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર એક સ્થાનિક રહીશ અને મહિલા સફાઈ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વાત એટલી હદે વણસી ગઈ હતી કે, ઉશ્કેરાયેલા રહીશે કાયદાનો ડર રાખ્યા વિના હાથમાં દંડો (લાકડી) ઉઠાવી લીધો હતો અને જાહેરમાં મહિલા કર્મચારી પર હુમલો કરવાના ઈરાદે ધસી આવ્યો હતો. સદનસીબે અન્ય લોકોની હાજરીને કારણે કોઈ અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. પરંતુ આ ઘટનાને પગલે મહિલા કર્મચારી ગભરાઈ ગઈ હતી.
ફરજ પર રહેલા સરકારી કર્મચારી સાથે થયેલા આ ગેરવર્તણૂકને પગલે સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ અન્ય કર્મચારીઓ પણ સમર્થનમાં આવ્યા હતા અને પીડિત મહિલા કર્મચારી સાથે અટલાદરા પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી.
અટલાદરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ફરજ પરના કર્મચારીને ડરાવવા અને હુમલાનો પ્રયાસ કરવા બદલ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સોસાયટીના CCTV ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
શહેરને સ્વચ્છ રાખતા સફાઈ સેવકો પર અવારનવાર થતા આવા હુમલાઓને લઈને કર્મચારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ માંગ કરી છે કે, સાર્વજનિક સ્થળોએ કે સોસાયટીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને હુમલાખોર રહીશ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.