વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, કાર ફસાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 17
સ્માર્ટ સિટી વડોદરામાં પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને તંત્રની લાપરવાહી ફરી એકવાર ખુલ્લી પડી છે. શહેરના વોર્ડ નં. 12માં આવેલ અટલાદરા ચેક પોસ્ટ પાસે, HDFC બેન્કની નજીક રસ્તા પર વિશાળ ભૂવો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂવામાં ફોર વ્હીલર કાર (નં. GJ 38 BB 9394)નું આગળનું ટાયર ફસાઈ જતાં મોટી દુર્ઘટના થતાં-થતાં ટળી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ થોડા સમય અગાઉ અહીં પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ થયા બાદ ખાડાનું યોગ્ય રીતે પૂરણ કરવામાં આવ્યું નહોતું. માત્ર દેખાડા પૂરતું કામ કરી દેવામાં આવતા જમીન બેસી ગઈ અને રસ્તો ધસી પડતા મોટો ભૂવો સર્જાયો હતો.

લોકોએ આક્ષેપ કર્યો છે કે, કામની નબળી ગુણવત્તા અંગે પાલિકા તંત્રને અગાઉથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી, છતાં પાલિકાના અધિકારીઓ કે સંબંધિત કોન્ટ્રાક્ટરે સ્થળ મુલાકાત લેવાની તસ્દી લીધી નહોતી.

જો સમયસર યોગ્ય પૂરણ અને ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું હોત, તો આજે વાહન ફસાવાની ઘટના ન બની હોત અને જાનહાનિનો ખતરો ઊભો ન થાત. શહેરમાં ઠેર-ઠેર પડતા ભૂવાઓ હવે પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. અટલાદરાની આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે, શું આ માત્ર બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચારનું પરિણામ?