Vadodara

અટલાદરામાં ‘નમસ્યા’ સાઇટ પર લોકો વિફર્યા, બિલ્ડર હિરેન મહેતાને રહીશોએ મેથીપાક ચખાડ્યો

બિલ્ડર હિરેન અજીતભાઈ મહેતાની બેદરકારીથી દિવાલ ધરાશાયી
લોકોના ઘર જોખમમાં મૂકનાર બિલ્ડરને લાકડીઓ અને લાતોથી ઢોર માર; કન્સ્ટ્રક્શન જગતમાં ખળભળાટ
વડોદરા
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક રહીશોએ કાયદો હાથમાં લીધો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીની બાજુમાં આવેલી ‘નમસ્યા’ નામની સાઇટ પર આડેધડ અને અસુરક્ષિત ખોદકામને કારણે રહીશોના મકાનો જોખમમાં મુકાતા રોષે ભરાયેલા લોકોએ સાઇટના બિલ્ડર હિરેન અજીતભાઈ મહેતાને મેથીપાક ચખાડ્યો હતો.

અટલાદરામાં પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીની અડીને ‘નમસ્યા’ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, બિલ્ડર હિરેન અજીતભાઈ મહેતા દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા માપદંડો કે રીટેનિંગ વોલ વિના ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ બેદરકારીના પરિણામે સોસાયટીની સેફ્ટી વોલ અચાનક ધરાશાઈ થઈ ગઈ હતી.

દિવાલ ધરાશાયી થતાં જ કેટલાક મકાનોના ભાગોમાં નુકસાન થયું હતું, જેના કારણે રહીશોમાં ફાળ પડી હતી. પોતાના હક્કના મકાનો જોખમમાં મુકાતા અને રહેવાસીઓને ઘર છોડવાની નોબત આવતાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
રહીશોએ જણાવ્યું હતું કે, બિલ્ડર હિરેન અજીતભાઈ મહેતાને અગાઉ પણ અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી કે આ રીતે ખોદકામ કરવાથી સોસાયટીના મકાનોને ગંભીર નુકસાન થઈ શકે છે. તેમ છતાં, નફાખોરીની લ્હાયમાં બિલ્ડરે સુરક્ષાના સાધનો વિના કામ ચાલુ રાખ્યું હતું. આ જીવલેણ બેદરકારીને કારણે અનેક પરિવારોએ રાતોરાત ઘર ખાલી કરવા પડ્યા હોવાનો પણ આક્ષેપ છે.

ઘટનાના પગલે મોટી સંખ્યામાં રહીશો ‘નમસ્યા’ સાઇટ પર એકત્રિત થયા હતા. ત્યાં હાજર બિલ્ડરને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બિલ્ડર હિરેન અજીતભાઈ મહેતા પર લાકડીઓ અને હાથથી હુમલો કર્યો હતો. સાઇટ પર જ ઢોર માર મારવામાં આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ઈજાગ્રસ્ત બિલ્ડરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, હાલ આ મામલે બે પાસાઓ પર તપાસ ચાલી રહી છે—
એક તરફ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન અને લોકોની મિલકતને થયેલ નુકસાન, તથા બીજી તરફ કાયદો હાથમાં લઈને બિલ્ડર પર હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી.

: વધતા જતા જોખમી બાંધકામો
વડોદરા જેવા વિકસતા શહેરમાં બિલ્ડરો દ્વારા વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ઉતાવળમાં આસપાસના રહીશોના હિતોને નેવે મૂકવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. સ્થાનિક રહીશો હવે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર પાસે કડક દાખલો બેસે તેવી ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top