Vadodara

અટલાદરામાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો

લોખંડની પાઇપથી માથામાં ફટકો, મિત્રને બચાવતા ડંડાથી હુમલો
હિંસક ઘટનાનો વીડિયો વાયરલ, ચાર આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી

વડોદરા, તા. 20:
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કરતી વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અટલાદરા વિસ્તારમાં જૂની અદાવતને લઈ યુવક પર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવક તથા તેને બચાવવા આવેલા તેના મિત્રને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ચાર આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, અક્ષર ચોક નજીક રહેતા અને અલ્કાપુરી વિસ્તારમાં મોબાઈલ ટાવર ટેકનિશિયન તરીકે કામ કરતા ધવલભાઈ રમેશભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગાઉ વાસણા રોડ વિસ્તારમાં રહેતા સમયે પડોશી તરુણ ઠાકોર સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત રાખીને 15 માર્ચની રાત્રે તરુણ ઠાકોરે ધવલભાઈને ફોન કરી તેમની હાજરી અંગે પૂછ્યું હતું. ધવલભાઈએ પોતે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ નજીક હોવાનું જણાવતાં તરુણ ઠાકોર તેના ત્રણ સાથીઓ સાથે ત્યાં પહોંચી ગયો હતો.
ત્યારબાદ ગાળાગાળી શરૂ થઈ હતી અને દરમિયાન રિકેશ બારીયાએ ધવલભાઈને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ તરુણ ઠાકોરે મોપેડમાંથી લોખંડની પાઇપ કાઢી ધવલભાઈના માથામાં જોરદાર ફટકો માર્યો હતો.
આ દરમિયાન વધુ મારથી બચાવવા માટે મિત્ર સુનિલભાઈ વચ્ચે પડતા વિક્રમ ઉર્ફે એરટેલ નાયકે લાકડાના ડંડાથી તેમના પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે ધવલભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા, ત્યારબાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
દરમિયાન, એક અજાણ્યા રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે અટલાદરા પોલીસે હુમલાખોર તરુણ ઠાકોર, ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને રિકેશ બારીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top