સંચાલકો ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ સાથે ડીઈઓ કચેરી ખાતે રજૂઆત :
ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓની પણ માન્યતા રદ થવાનો વાલીઓમાં ભય :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરાની અટલાદરા ટ્રી હાઉસ કુલ માન્યતા રદ થતા વાલીઓ હવે બહાર આવ્યા છે અને પોતાના બાળકોની ચિંતા વ્યક્ત કરતા આ સ્કૂલની માન્યતા રદ થતા હવે આગામી અભ્યાસનું શું અને સંચાલકો દ્વારા તેઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત માટે વાલી મંડળને સાથે રાખી રજૂઆત માટે પહોંચેલા વાલીઓએ જણાવ્યું હતું કે જ્યારે એક અઠવાડિયા પહેલા અમે સ્કૂલ સંચાલકોને પૂછ્યું હતું ત્યારે સ્કૂલ દ્વારા અમારી પાસે બુકો મંગાવવામાં આવે છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે ધોરણ 1 થી 8ની માન્યતા અમારી પાસે છે રદ થઈ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં સીબીએસઈ પ્રાદેશિક કચેરી દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. જેમાં ધોરણ 9 અને 11ની વૈકલ્પિક વ્યવસ્થા આસપાસની સીબીએસસી સ્કૂલમાં કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે વાલીઓને ડર છે કે ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓની પણ માન્યતા રદ થશે તો અમે ક્યાં જઈશું, જેને લઈને અમને ચિંતા છે. અન્ય વાલીઓનું પણ કહેવું છે કે એક તરફ બાળકો સ્કૂલ ચેન્જ કરવા તૈયાર નથી આજ દિન સુધી અમને અંધારામાં રાખવામાં આવ્યા છે. સત્રની ફી પણ ભરવામાં આવી છે, અને ચોપડા પણ ખરીદી લીધા છે. ત્યારે અધવચ્ચે માન્યતા રદ થશે તો અમે ક્યાં જઈશું. આ અંગે ડીઈઓ કચેરીના અધિકારી કે બી પરમારે જણાવ્યું હતું કે, વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે. તેઓનું કહેવું છે કે માન્યતા આ સ્કૂલની રદ કરવામાં આવી છે. આ બાબતે વાલીઓની રજૂઆત અંતર્ગત હકારાત્મક કાર્યવાહી કરીશું. એકથી આઠની મંજૂરી દર્શાવેલ આ પત્રમાં છે કે નહીં તે બાબતે તપાસ કરી અને યોગ્ય નિર્ણય લઈશું, વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરીશું.
