(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં 23 જૂનના રોજ આંતરડાની બિમારીને લઈ જંબુસર તાલુકાના પિલોદરા ગામની યુવતીને દાખલ કરવામાં આવી હતી. જેમાં ગતરોજ બપોરે તેનું મોત નિપજ્યું હતું. જેમાં પરિવાર દ્વારા તબીબોની લાપરવાહી સહિતના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ જંબુસર તાલુકાના પિલોદરા ગામની હેતલબેન હરમાનભાઇ પરમાર નામની યુવતીને અન્નનળીની તકલીફ હોવાથી સૌ પ્રથમ પાદરા તાલુકાના મુવાલ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી રિપોર્ટ કઢાવવા પાદરા મોકલ્યા હતા.પાદરાથી યુવતીના રિપોર્ટ માટે તથા સારવાર અર્થે વડોદરા શહેરના અટલાદરા સ્થિત જ્યૂપિટર હોસ્પિટલમાં ગત તા.22 જૂનના રોજ સાંજે 5:30 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. તે જ રાત્રે પોણા દસ વાગ્યે યુવતીને ઓપરેશન થિયેટરમાં તબીબ લઈ ગયા હતા.પરંતુ થોડી જ વારમાં બહાર લાવવામાં આવ્યા હતા અને રાત્રે ઓબ્જરવેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તા. 23 જૂનના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જ્યાં થોડી વારમાં ફરી યુવતીને બહાર લાવી પરિજનોને યુવતીની હાર્ટબીટ વધઘટ થતું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા જેમાં તબીબ ડો.તુષાર પટેલ દ્વારા એક ઇન્જેક્શન જે નજીકના મેડિકલ સ્ટોરમાં મળતું હોવા છતાં વડોદરામાં શોધવું પડ્યું તે રીતે મોકલ્યા, બપોરે જ યુવતી મૃત્યુ પામી તે સમયે પરિવારના સભ્યો હાજર હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા એમ કહેવામાં આવ્યું કે પરિવારના સભ્યો ઓપરેશન સમયે હાજર નહોતા તથા યુવતીનું મોત નિપજ્યું હોવા છતાં બપોરે દોઢેક વાગ્યે રૂ.19,000ની દવા મંગાવવામાં આવી તે શાના માટે?
પરિવારે હોસ્પિટલના એક તબીબ દ્વારા સમગ્ર મામલે પૈસાની ઓફર કરી હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ મામલે હવે પરીવારે ન્યાય માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.