વડોદરાના બ્રિજ પર ગમખ્વાર ઘટના, બે ગંભીર ઈજાગ્રસ્તોને બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા:: શહેરના અટલબ્રિજ પર અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે બપોરે પંડ્યાબ્રિજથી અક્ષર ચોક તરફ જવાના માર્ગે અટલબ્રિજ પર એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર, એક્ટિવા અને કચરો ભરીને જતું એક ટ્રેક્ટર અથડાયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત બપોરના સમયે બન્યો હતો. એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારી પ્રથમ આગળ જઈ રહેલી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એક્ટિવાને અડફેટે લીધા બાદ કારચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ આગળ કચરો ભરીને જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આખે આખું ટ્રેક્ટર ફંગોળાઈને માર્ગની વિરુદ્ધ દિશામાં ફરી ગયું હતું.
અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાર અને એક્ટિવાના કુરચે કુરચા ઉડી ગયા હતા. ટક્કરને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને એટલા જોરદાર આઘાતને કારણે કારમાં રહેલી એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. એક્ટિવાની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
આ ભયાનક અકસ્માત બાદ તાત્કાલિક પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તેમણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
ઘાયલ થયેલા વ્યક્તિઓમાં કારચાલક મધુરભાઈ (ઉં.વ. 36) અને અંજલિબેન (ઉં.વ. 24) નો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે કારચાલક મધુરભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં કારચાલક સહિત એક્ટિવાચાલક પણ ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે.