Vadodara

અજંતા ઇલોરા થી જ્યોતિર્લિંગના દર્શન કરી કલોલ જતી કાર ભીલાપુર પાસે પલટી જતાં ચારને ઇજા

ચારેય ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા

અચાનક છીંક આવી જતાં સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખાડામાં પડી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

ગાંધીનગર જિલ્લાના કલોલ ના ચાર લોકો અજંતા ઇલોરા ખાતે આવેલા જ્યોતિર્લિંગ ના દર્શન કરી પરત કલોલ ફરી રહ્યાં હતાં તે દરમિયાન ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેના વળાંક પાસે કાર ચાલક ને છીંક આવી જતાં સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઇ જતાં કારમાં સવાર ચારને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓને રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના નંદારડાની બાજુમાં આવેલા કલોલ ગામના વતની ઉષાબેન પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.50), કુસુમબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.48)રહે. 84/1, હરેકૃષ્ણનગર સોસાયટી,ચાદોલડીયા, અમદાવાદ, વિપુલભાઇ અમૃતલાલ ચૌહાણ (ઉ.વ.33) તથા અમૃતલાલ બલાદાસ ચૌહાણ (ઉ.વ.67) રહે. બી-204, શક્તિ ડાયમંડ, પંચવટી એરિયા,કલોલ નાઓ ગતરોજ આશરે 4:47 કલાકે અજંતા ઇલોરા ખાતે થી જ્યોતિર્લિંગના દર્શન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પરત કલોલ પોતાની કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે-18-બીએચ-3520મા જતાં હતાં તે દરમિયાન ડભોઇના ભીલાપુર ગામ પાસેના વળાંક પર કાર ચાલકને અચાનક છીંક આવી જતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઇ ગઇ હતી જેના કારણે કારમાં સવાર ચારેયને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચારેયને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને લોકોએ કારને ખાડામાંથી બહાર કાઢી હતી. ચારેય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

Most Popular

To Top