બે ફ્લેટ તથા બે દુકાનના જીએસટી, વીએમસી, મેઇન્ટેનન્સ, પાર્કિંગ ચાર્જીસ પેટે કુલ 1,91,50,598ની રકમની ચૂકવણી કરી હતી
બાનાખત કરી આપી તા.31-12-2020 સુધી પઝેશન આપવાનું જણાવી પેમેન્ટ લઈ બાનાખત કરી આપ્યું પરંતુ આજદિન સુધી પઝેશન ન આપતાં ફરિયાદીની તરફેણમાં રેરાનો ચૂકાદો
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના અગોરા સિટી સેન્ટર પ્રોજેક્ટમાં શહેરના એક પરિવારે બે ફ્લેટ અને બે દુકાનો બુક કરાવી હતી જેના માટેની જીએસટી સાથે રકમ, મેઇન્ટેનન્સ,, કોર્પોરેશન ચાર્જીશ, પાર્કિંગ ચાર્જની રકમ ચૂકવી આપ્યા બાદ પણ સમયસર પઝેશન ન આપતાં ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) માં ફરિયાદ નોંધાવતા રેરા દ્વારા બે ફ્લેટ અને બે દુકાનની કુલ રકમ રૂ.1,91,50,598 ના વર્ષ 2020 થી પઝેશન આપવા સુધી 9% લેખે વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંગલ પાંડે રોડ સ્થિત અગોરા સિટી સેન્ટર આ પ્રોજેક્ટ બન્યો ત્યારથી જ ચર્ચામાં રહી છે ત્યારે હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. શહેરના રેસકોર્સ વિસ્તારમાં હરિભક્તિ કોલોની પાછળ આવેલા રોકડનાથ સોસાયટીમાં રહેતા અમરીશ રતિલાલ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે તેમણે પોતાના પરિવારના સભ્યો ના નામે બાલાજી ગૃપના અગોરા સિટી સેન્ટર ખાતે બે ફ્લેટ જેમાં ફ્લેટ નં.એફ-1002 જેનું પેમેન્ટ જીએસટી, વડોદરા મહાનગરપાલિકાના ચાર્જીસ,મેઇનટેનન્સ, પાર્કિંગ ચાર્જ સાથે રૂ.88,23,631 , ફ્લેટ નં.બી-904 જેના તમામ ચાર્જીસ સાથે રૂ.47,23,377 ની રકમ ચૂકવી આપેલ તથા બે દુકાનો જેમાં દુકાન નં.બી-1023 જેના તમામ ચાર્જીસ, ટેક્ષ્ટ સાથે રૂ.28,01,795 તેમજ દુકાન નંબર બી -1024 ના રૂ. 28,01,795 ની રકમની ચૂકવણી કરી આપી હતી આ તમામ ફ્લેટ અને દુકાનોના બાનાખત કરી આપવામાં આવ્યા હતા અને તેના 31-12-2020 સુધીમાં પઝેશન આપવાના હતા પરંતુ આ તમામ ચાર પોપર્ટીની રકમની ચૂકવણી બાદ પણ આજદિન સુધી પઝેશન આપવામાં કે વેચાણ દસ્તાવેજ કરી આપવામાં ન આવતા ફરિયાદી અમરીશ રતિલાલ પટેલ, કૃપા અમરીશ પટેલ તથા વિશ્વા અમરીશ પટેલ દ્વારા એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે વર્ષ 2024મા ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મેસર્સ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી.ના ઓથોરિટી ડાયરેક્ટર બીના આશિષ શાહ તથા મિલન રતનાની વિરુદ્ધ સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા વડોદરા સમા ગામે આવેલ રે.સા.નં. 39/2,40,41 ખાતે અગોરા સિટી સેન્ટર જેનો રે,રા.રજીસ્ટ્રેશન નં. PR/GJ/VADODARA/VADODARA/others/MAA00721/EX2/EX1/171022 છે તેઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં બાલાજી ગૃપ અગોરા સિટી સેન્ટર પ્રોજેક્ટમાં તમામ પૂરાવાઓના આધારે તા.04-04-2025 ના રોજ ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) ના મેમ્બર ડો.એમ.ડી.મોડિયાએ ફરિયાદીની બે ફ્લેટ અને બે દુકાનો ની કુલ રકમ રૂ. 1,91,50,598 ના તા.31-12-2020 થી પઝેશન આપવા સુધી 9% લેખે વ્યાજ આપવાનો હૂકમ કર્યો છે તે રકમ સિવાય અન્ય કોઈ ખર્ચ ચૂકવવા હૂકમ કરાયો નથી.
