Vadodara

અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા


સ્થાનિકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા


વડોદરા શહેરના અક્ષર ચોક થી સન ફાર્મા રોડ પર પાલિકા દબાણ શાખા ટીમ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. દબાણ હટાવતી વખતે દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.


વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે વડોદરા શહેરના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ મુખ્ય માર્ગો પર કોમ્પ્લેક્સના તથા લારી ગલ્લા અને દુકાનોના દબાણો હટાવાની કામગીરી કરવામાં આવી હતી.

સન ફાર્મા રોડ પર કોમ્પ્લેક્સની હદની અંદર લગાવેલા બેનરો દબાણ શાખાની ટીમ દ્વારા તોડી નખાતા વિવાદ સર્જાયો હતો. જ્યાં દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો નજરે પડ્યા હતા . આ દરમિયાન જેપી રોડ પોલીસ સ્ટેશન તથા અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ત્યારે ભાજપના સક્રિય કાર્યકર્તા ચિરાગ યાદવે દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.


ભાજપના કાર્યકર ચિરાગ યાદવનું કહેવું છે કે વિરોધ દબાણ તોડવાનો નથી, પરંતુ દસ વર્ષથી આ કોમ્પ્લેક્સ છે. આ કોમ્પ્લેક્સની જગ્યાની અંદરનું દબાણ તોડવું તે ખોટું છે. આ કોમ્પ્લેક્સ એક પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવાય. જેમાં પોતાની જગ્યામાં લગાવેલા બેનરો, લોલીપોપ તોડવું એ ગેરવ્યાજબી છે. ફ્લોરેન્સ બિલ્ડીંગની પ્રાઇવેટ જગ્યામાં લગાવેલા બેનરો, લોલીપોપો પાલિકાની ટીમ દ્વારા તોડી પાડવાનું કામ ખોટું છે. અમારી માગણી છે કે દસ વર્ષથી આ કોમ્પ્લેક્સ માં કોમ્પ્લેક્સ ની હદમાં લગાવેલા બોર્ડ પાલિકા તંત્રે આ નુકસાનીની ભરપાઈ કરી આપવી જોઈએ.

Most Popular

To Top