વારંવાર ભૂવા પડવા પાછળ જવાબદાર કોણ ?
શહેરના કેટલાક રોડ હવે ‘ભૂવા રોડ’ તરીકે ઓળખાવા લાગ્યા !
વડોદરા શહેરમાં અવારનવાર રસ્તા પર ભૂવા પડવાના સમાચાર સામાન્ય બની ગયા છે. તાજેતરમાં જ અકોટા રોડ પર વધુ એક ભૂવો પડતા ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં કોલ્ડડ્રીંક્સ ભરેલું એક વાહન ભૂવામાં ખાબક્યું, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


અકોટા રોડ પર છેલ્લા એક મહિનામાં આ બીજી ઘટના છે. અગાઉ ભાથીજી મંદિર પાસે મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિક પ્રશાસન દ્વારા સમારકામ શરૂ કરાયું હતું, જે હજી પણ પ્રગતિ પર છે. સતત ભૂવો પડવાની ઘટનાઓ શહેરના બાંધકામની ગતિશીલતા અને તેના સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવે છે.

શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ, વરસાદી પાણીની લાઇન અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામો ટેન્ડર વિના કલમ 67(3-સી) હેઠળ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.15 કરોડ ઉપરાંતના કામો મંજૂર કરાયા હતા, જેમાં મોટા ભાગના કામો શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ભૂવાઓને મરામત કરવા માટેનાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં 95 જેટલા ભૂવા પડ્યાનું મનાય છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક મરામત જ કરવામાં આવી છે, લાંબા ગાળાની કોઈ નક્કર યોજના અમલમાં મૂકાઈ નથી.
આજ સુધી માત્ર સમારકામ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પણ આ સમસ્યા હજી પણ યથાવત છે. તાજેતરમાં જ અકોટા, કારેલીબાગ, નિઝામપુરા અને અન્ય વિસ્તારોમાં પડેલા ભંગાણોની દુરસ્તી માટે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે. આવી અનેક જગ્યાઓ પર કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ ભૂવા પડવાનું બંધ થયું નથી, જે સીધું-સીધું નબળા અને બેફામ ખર્ચ પર ઈશારો કરે છે.
શહેરમાં સતત ભુવા પડતા હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. માત્ર રીપેરિંગ અને મરામતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવાઈ રહ્યો છે. તંત્ર દ્વારા જવાબદારી નક્કી કરવામાં નહીં આવે અને કામમાં ગેરવહીવટ ચાલુ રહેશે, તો આગામી સમયમાં વધુ ભુવા પડવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ભૂવા પડવાની સમસ્યાને ગમ્મત માની જાળવી રાખે છે કે પછી નક્કર કામગીરી કરીને લોકોની સુરક્ષા માટે ચોક્કસ પગલાં લે છે!