Vadodara

અકોટા-મુજમહુડા રોડ પર ફરી ભુવો પડ્યો, વાહનચાલકો માટે જોખમ વધ્યું


2024માં આ રોડ પર 17થી વધુ ભુવા પડવાની ઘટનાઓ સામે આવી હતી

વડોદરા: શહેરના અકોટા-મુજમહુડા માર્ગ પર હાજીપાર્ક સામે ફરી એકવાર રોડ ધસી જતાં મોટો ભુવો પડ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ માર્ગ પર 17થી વધુ વખત ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે છતાં તંત્ર દ્વારા કાયમી સમાધાન લાવવામાં આવતું નથી. આજે ફરી ભુવો પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

સ્થળ પર સ્પષ્ટ જોવા મળે છે કે રોડ વચ્ચે પડેલા ભુવા પાસે ફક્ત ઝાડની ડાળીઓ મૂકી વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે. બીજીતરફ, તંત્ર દ્વારા બેરિકેડ લગાવી માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે, છતાં ટ્રાફિક સતત ચાલુ છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેઓનું કહેવું છે કે, વારંવાર ભુવા પડતાં અકસ્માતની શક્યતા વધી રહી છે. “માત્ર ઝાડની ડાળીઓ અને બેરિકેડ લગાવીને તંત્ર જવાબદારીમાંથી બચી શકતું નથી, કાયમી સમાધાન જરૂરી છે,” એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહે પણ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો
વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે જણાવ્યું કે, “દર વર્ષે એક જ વિસ્તારમાં વારંવાર આવી ઘટના બને છે, છતાં તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક રીપેરીંગ કરી, મૂળ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. તાત્કાલિક કામગીરી કરીને લોકોના જીવ બચાવવા પગલાં ભરવા જોઈએ.”
ભય વચ્ચે તંત્રની કામગીરી પ્રશ્નચિહ્ન હેઠળ…
આ વિસ્તારમાં સતત ટ્રાફિક હોવાથી, કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત છે જેથી આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ફરી ન બને.

Most Popular

To Top