ઓવરટેક કરવા જતાં મહિલા ગંભીર રીતે ઘાયલ
ઓવરટેક કરવાની લ્હાયમાં કાબૂ ગુમાવ્યો, સ્પીડમાં આવેલી મહિલા બીજા વાહન સાથે અથડાઈ; ટોળાએ ભેગા થઈ લોહીલુહાણ મહિલાને રિક્ષામાં હોસ્પિટલ ખસેડી



વડોદરા શહેરના અકોટા બ્રિજ પર આજે બપોરે બે એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેમણે તાત્કાલિક ઇજાગ્રસ્ત મહિલાને રિક્ષા મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ઘટનાની વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી એક એક્ટિવા ચાલક મહિલા ખૂબ જ ઝડપથી બ્રિજ પરથી પસાર થઈ રહી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મહિલાએ આગળ જઈ રહેલા એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તેણે પોતાની દ્વિચક્રી વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તે રોડ પર પટકાય ગઈ હતી.
કમનસીબે, તે જ સમયે પાછળથી આવી રહેલી અન્ય એક એક્ટિવા મહિલાના શરીર પર ચડી ગઈ હતી, જેના કારણે આ મહિલાને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીજી એક્ટિવા ચાલક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી.
અકસ્માત થતાં જ બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ મહિલાને મદદ કરી અને તેને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
શહેરમાં અવારનવાર થતા આવા અકસ્માતોને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાગરિકોની માંગ છે કે બ્રિજ પર વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કડક પગલાં લેવામાં આવે અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે.