કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યો હોવાનો આક્ષેપ
સામાજિક કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા
વડોદરા: વડોદરા શહેરના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તાથી જેલ રોડ તરફના માર્ગ પર તાજેતરમાં મૂકાયેલા ગટરના ચેમ્બરના ઢાંકણ માત્ર 15 દિવસમાં જ તૂટી પડ્યા છે, જેના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, ઢાંકણમાં હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ થયો છે, અને પાલિકા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોના મિલભાગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આવી ઘટનાઓને કારણે પાલિકા તંત્રની પારદર્શિતા અને જવાબદારી પર લોકોમાં અસંતોષ અને શંકા વધી છે. વિકાસના નામે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.
વડોદરા શહેરમાં પાલિકા દ્વારા રસ્તા પર કરવામાં આવતી કામગીરીમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને કામમાં હલકી ગુણવત્તાનો મટીરીયલ વાપરે છે, જેના કારણે વિકાસના કામો ટૂંકા ગાળામાં જ જર્જરિત થઈ જાય છે.
શહેરમાં રોજબરોજ આવા કામો સામે આવતા હોવાના કારણે, પાલિકા તંત્રની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે પાલિકા વિવાદિત ઇજારદારો અને કોન્ટ્રાક્ટરો પર પણ ખાસ મહેરબાની રાખે છે એવા આક્ષેપો થયા છે, જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાય છે. હલકી ગુણવત્તા ની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા વાહન ચાલકો માં અકસ્માત થવાનો ભય ફેલાયો છે .
આ સ્થિતિમાં, વિકાસના નામે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાની લોકોમાં ચર્ચા વ્યાપી રહી છે.