નશો કરેલી હાલતમાં એક ઝડપાયો,અન્ય ઈસમો સ્થળ પરથી ફરાર : મોર્નિંગ વોક માટે નીકળેલા ચારથી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરામાં ફરી એક વખત રફતારના રાક્ષસો બેફામ બન્યા હોય અકસ્માતની ઘટના બની છે. અકોટા ગાર્ડન પાસે આવેલી અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે એક કાર ચાલક ડિવાઈડર કૂદીને સોસાયટીના એક મકાનની બહાર આવેલ દિવાલમાં ઘૂસી ગયો હતો. બનાવને પગલે પોલીસે એકની અટકાયત કરી છે. જ્યારે અન્ય ઈસમો સ્થળ પરથી ફરાર થતા તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના અકોટા ગાર્ડન નજીક અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારે 5:30 વાગે એક કાર ચાલક ડિવાઈડર કૂદીને સોસાયટીના એક મકાનમાં ઘૂસી જતા દીવાલ તોડી પાડી હતી. કાર ચાલક નશો કરેલી હાલતમાં હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા. પોલીસે એકની અટકાયત કરી હતી. જ્યારે, અન્ય બે થી ત્રણ જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા. સ્ટેશનથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી.

સ્થાનિક રહીશ શ્વેતાબેન પટેલે જણાવ્યું હતું કે, અકોટા ગાર્ડન પાસે અક્ષરધામ સોસાયટી આવેલી છે. સવારે 5:30 વાગે એક ગાડી વાળો સામેથી ડિવાઈડર કૂદીને આ બાજુ આવી ગયો હતો. બધાનું એવું કહેવું છે કે એ પીધેલો હતો. એક ભાઈ હતો એનું કહેવું છે કે, બીજા ચાર પાંચ જણ હતા, એ હવે દેખાતા નથી. એ જવાબ આપતો નથી અને પોલીસ તેને લઈ ગઈ છે. સવારે અહીં ચાલવા માટે સિનિયર સિટીજનો નીકળે છે. સવારે પણ ચારથી પાંચ લોકો બચી ગયા છે. નોંધનીય છે કે, હજી પણ કેટલાક ચાલકો નશામાં ધૂત થઈ વાહનો હંકારી અકસ્માત સર્જી રહ્યા છે. આ અકસ્માતમાં એકની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર થતા તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.