પ્રતિનિધિ વડોદરા તા.22
અકોટા વિસ્તારમાં કપડાના સેલમાં રેડ કરીને અકોટા પોલીસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ જીન્સ પેન્ટ અને શર્ટ મળી રુ.2.32 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે મેનેજરની અટકાયત કરી દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેરમાં અવારનવાર ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતા વેપારીઓ વિરુદ્ધ સ્ટાન્ડર્ડ કંપનીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોય છે. તેમ છતાં દુકાનો તથા સેલ ખોલીને વેપારીઓ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાના ડુપ્લીકેટ માલનું વેચાણ કરાતું હોય છે. અકોટા વિસ્તારમાં આવેલા વીવાન્તા હોટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોલ્ડ ફોકસ ક્રિએશન નામના સેલમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી કંપનીને મળી હતી. જેના આધારે 21 જુલાઈ ના રોજ કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ઇન્વેસ્ટીગેશન ઓફિસરે સેલમાં સરપ્રાઈઝ વિઝીટ કરીને ચેક કર્યું હતું તેમાં તેમની કંપનીના જ ડુપ્લીકેટ કપડાનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ પોલીસની તેમને સાથે રાખી કપડાના સેલમાં રેડ કરી હતી. ત્યારે દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના જીન્સ પેન્ટ અને શર્ટ મળી રુ. 2.32 લાખ મળી આવ્યો હતો. જેથી કંપનીના કર્મચારીએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડુપ્લીકેટ કપડા નો મુદ્દા માલ કબજે કરીને સેલના મેનેજર વિકાસ કેસરદેવ શર્માની અટકાયત કરી કરી હતી. તેના માલિક અંકિત રાજેન્દ્ર અગ્રવાલ નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.