Vadodara

અકોટાના છોટુભાઈ પુરાણી સ્ટેડિયમનો થશે કાયાકલ્પ

રૂ.40 કરોડના ખર્ચે બનશે ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્કેટિંગ રિંક

વડોદરા શહેરના રમતવીરો અને રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ છોટુભાઈ પુરાણી સ્ટેડિયમનો કાયાકલ્પ કરવામાં આવશે. આ સ્ટેડિયમને અદ્યતન અને આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આશરે રૂ.40 કરોડના ખર્ચે આ નવીન સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવામાં આવશે.

સ્ટેડિયમના કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ કુલ 35,935 ચોરસ મીટર વિસ્તારમાં નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમાં 7,140 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ બનશે જેમાં વિશાળ પ્રેક્ષક ગેલેરીની પણ વ્યવસ્થા થશે. આધુનિક ઈન્ડોર સ્પોર્ટ્સ બિલ્ડિંગમાં કુલ 6 બેડમિન્ટન કોર્ટ તૈયાર કરાશે, જેમાં પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા પણ રહેશે.
તે ઉપરાંત, 3,870 ચોરસ મીટરના વિસ્તારમાં 200 મીટર લંબાઈ ધરાવતી સ્કેટિંગ રિંક બનાવવામાં આવશે, જે શહેરના યુવા ખેલાડીઓ માટે તાલીમ અને સ્પર્ધા બંને માટે ઉપયોગી સાબિત થશે.
આ સમગ્ર સંકુલમાં મલ્ટી સ્ટોર ફોર-વીલર પાર્કિંગ, બહાર માટે ટુ-વ્હીલર તથા ફોર-વીલર પાર્કિંગની સુવિધાઓ, આકર્ષક લેન્ડસ્કેપિંગ અને પુરતી સ્વચ્છતા માટે આધુનિક જેન્ટ્સ-લેડીઝ વોશરૂમની વ્યવસ્થા સામેલ છે. ઉપરાંત, ઇન્ડોર સ્પોર્ટ્સ બિલ્ડિંગમાં ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ, ઓફિસ, સ્ટોર રૂમ અને મીડિયા કવરેજ માટે ખાસ એરિયા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
છોટુભાઈ પુરાણી સ્ટેડિયમનું આ રૂપાંતરણ વડોદરાની રમતગમત સંસ્કૃતિમાં નવો ઉછાળો લાવશે. શહેરના યુવાનોને ફૂટબોલ, બેડમિન્ટન અને સ્કેટિંગ જેવી રમતોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયારી કરવાની ઉત્તમ તક મળશે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ રૂ.40 કરોડના ભવ્ય પ્રોજેક્ટ વડોદરાને ગર્વ અપાવતો નવા યુગનો રમતગમત કેન્દ્ર બનાવશે.

Most Popular

To Top