*બહુચર્ચિત અકસ્માત કાંડમાં નર્મદા ભવન ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ 9 સાક્ષીઓએ રક્ષિતને ઓળખી બતાવ્યો*
*નર્મદા ભવન ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખપરેડ યોજાઇ, જેમાં 9 સાક્ષીઓ હાજર રહ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા.30
ગત તા.13 માર્ચે રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી નજીક નશામાં ચૂર રક્ષિત ચોરસિયાએ ઓવરસ્પીડ ગફલતભરી રીતે કાર હંકારી આઠ લોકોને અડફેટે લેતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાતેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવના આરોપીની નર્મદા ભવન ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ યોજાઇ હતી. જેમાં 9સાક્ષીઓ હાજર રહ્યા હતા અને તેમણે આરોપી રક્ષિત ચોરસિયાને ઓળખી બતાવ્યો હતો.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ખાતે ગત તા.13 માર્ચે એટલે કે હોળીની રાત્રે સાડા અગિયારના સુમારે પૂરઝડપે ગફલતભરી રીતે નશાની હાલતમાં ફોર વ્હીલર ચલાવી રક્ષિત ચોરસિયા નામના ઇસમે કે જે મૂળ ઉત્તરપ્રદેશના વારાણસીના વેપારીનો પુત્ર અને શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા, એ અકસ્માત સર્જી આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં દંપતી પૈકી એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે આરોપી રક્ષિતને જે તે સમયે નૌટંકી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને કારેલીબાગ પોલીસને સોંપ્યો હતો. હાલમાં રક્ષિત ચોરસિયા જેલના સળિયા પાછળ છે ત્યારે ગતરોજ નર્મદા ભવન ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખપરેડ યોજાઇ હતી. જેમાં બનાવ વખતે હાજર 9 સાક્ષીઓ હાજર રહ્યા હતા અને તેમણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો હતો. ત્યારબાદ આરોપી રક્ષિત ચોરસિયાને જેલમાં મોકલી અપાયો હતો.