Vadodara

અંધશ્રદ્ધાનો ભોગ: ખેંચ દરમિયાન મોઢામાં મૂકેલો સિક્કો બન્યો મોતનું કારણ

ગળામાં ફસાયેલા સિક્કાથી શ્વાસનળી બંધ, વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 વર્ષની મહિલાનું કરુણ અવસાન



(પ્રતિનિધિ), વડોદરા. તા.21
વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ખેંચ (ફિટ્સ) દરમિયાન મોઢું ખોલાવવા માટે દાંત વચ્ચે મૂકાયેલો ચલણી સિક્કો ગળામાં ફસાઈ જતાં 29 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મધ્યપ્રદેશના ખરગોન વિસ્તારમાં રહેતી ગંગા આકાશ રોકડેને અચાનક ખેંચ આવી હતી. ખેંચ દરમિયાન દાંત ભીંસાઈ જતા મોઢું ખોલાવવા માટે પરિવારજનોએ અજ્ઞાનતાવશ તેના મોઢામાં સિક્કો મૂકી દીધો હતો. પરંતુ આ સિક્કો ગળામાં ઉતરી જતાં શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલી ઉભી થઈ હતી.
પ્રાથમિક સારવાર માટે તેને ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે ઈન્દોર અથવા મોટી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી. ત્યારબાદ પરિવારજનો તેને ત્રણ દિવસ પહેલાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
મૃતક ગંગાબેન છેલ્લા ત્રણ વર્ષથી અનેક ગંભીર બીમારીઓથી પીડાતી હતી. તેને ગઠિયા રોગ, કિડની ઈન્ફેક્શન અને કરોડરજ્જુમાં પાણી ભરાવાની સમસ્યા હતી. ખેંચ આવ્યા બાદ બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.
સયાજી હોસ્પિટલમાં તબીબોએ ત્રણ દિવસ સુધી સઘન સારવાર આપી છતાં ગંગાબેનને બચાવી શકાયા નહોતા. હોસ્પિટલના સૂત્રો મુજબ, ગળામાં સિક્કો ફસાતા ગૂંગળામણ (Asphyxia) સર્જાયું હોવાની શક્યતા છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top