વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ
અડધો કલાકની ભારે જહેમતે પકડી વનવિભાગને સોંપવામાં આવ્યો
( પ્રતિનિધી )વડોદરા,તા.18
વડોદરા શહેર નજીક આવેલા અંકોડિયા કોયલી રોડ ઉપર એક મોટો સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે બનાવ અંગેની જાણ કરવામાં આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિએન્ટર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા આ સાપ નહીં પરંતુ, મહાકાય અજગર નજરે પડ્યો હતો. જેને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


વડોદરા શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે જો કે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સરીસૃપ અને મગર જેવા જળચર જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે, તેવામાં ગત રાત્રીએ અંકોડિયા કોયલી રોડ ઉપરથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકોડિયા કોયલી રોડ ઉપર એક મોટો સાપ જોવા મળતા ત્યાંના સ્થાનિક કિરણભાઈ ચાવડાએ વડોદરા શહેરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને આ અંગેની ટેલીફોનિક માહિતી આપી હતી. જે માહિતી મળતાની સાથે જ સંસ્થાના પ્રમુખ અરવિંદ પવારે વોલીએન્ટર કિરણ શર્મા, હિતેશ પરમાર અને ધ્રુવ ભાઈને સ્થળ પર મોકલ્યા હતા. જ્યાં સ્થળ પર પહોંચી તપાસ કરતા તે સાપ નહીં પરંતુ, ઈન્ડિયન રોક પાયથોન અજગર નજરે પડ્યો હતો. જેને અડધો કલાકની ભારેજહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.