વુડા ચેરમેન અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ,વિકાસના કામો, નવી યોજનાઓ અને ઓલમ્પિક લેવલ ઇન્ડોર સ્ટેડિયમ અંગે ચર્ચા
વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અધિકારીઓને માર્ગદર્શન
વડોદરા: વુડા કચેરી ખાતે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) ના નવા ચેરમેન અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને શુક્રવારે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં CEO બી.ડી. દવેરા સહિત વુડા ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં વુડા વિસ્તારના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને વુડામાં ચાલી રહેલા રીંગરોડના કામ અને તેના ફેસ વન પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા થઈ. બીજા તબક્કાના વિકાસ માટેની તૈયારીઓ અને આયોજન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
વુડા વિસ્તારમાં એસટીપીઝ અને ડબ્લ્યુટીપીઝ જેવા પ્રોજેક્ટોને આગળ વધારવા માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી, તેમજ વુડા વિસ્તારમાં સ્વચ્છતા અને સુવિધાઓ વધારવા માટેની શક્યતાઓ પર વિચારવિમર્શ થયો. આથી વુડા વિસ્તારના લોકોને શહેરની સમાન સુવિધાઓ પ્રદાન કરવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત થયો.
રાજ્ય સરકારના સહકારથી ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટે મંજૂરી મળી હોવાની માહિતી આપી, જેમાં ઓલમ્પિક લેવલનું સ્ટેડિયમ બનાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી મળેલા અન્ય વિકાસકાર્યો અંગે પણ ચર્ચા કરી કામગીરીને ઝડપી બનાવવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી.
આ બેઠક વડોદરાના શહેરી વિકાસમાં નવી દિશા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે, જેમાં ચેરમેન અરુણ મહેશ બાબુની આગેવાની હેઠળ વુડા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્ય ઝડપથી આગળ વધારવામાં આવશે.
