માંજલપુર બ્રાન્ચ પર હોબાળોઃ તહેવારના ટાઇમે બચત સગેવગે થતા ગ્રાહકો રોષે ભરાયા, પોલીસ તપાસ શરૂ.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી IndusInd બેંકમાં ગ્રાહકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માંથી મોટી રકમ ગાયબ થઈ જવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. તહેવારના સમયે જ બચત કરેલાં નાણાં ગુમ થતાં ગ્રાહકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોએ બેંક પર છેતરપિંડી અને ઉઠામણાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.



મળતી માહિતી મુજબ, ગ્રાહકો તહેવારના સમયમાં પોતાની બચતના રૂપિયા ઉપાડવા માટે માંજલપુર સ્થિત IndusInd બેંકમાં પહોંચ્યા હતા, ત્યારે તેમને જાણ થઈ કે તેમની FD ની રકમ ગાયબ થઈ ગઈ છે. ગ્રાહકોનું કહેવું છે કે તેમણે તેમની જીવનભરની કમાણી બચત કરવા અને લગ્ન પ્રસંગ કે તહેવાર માટે બેંકમાં મૂકી હતી, પરંતુ બેંક દ્વારા તે રકમ સગેવગે કરી દેવામાં આવી છે. ગ્રાહકો પાસે FD કર્યાના પૂરતા પુરાવા હોવા છતાં બેંક તેમને પૈસા પાછા આપતી નથી.
આ મામલે ગ્રાહકોએ બેંકના મેનેજર સાથે વાત કરતાં મેનેજરે જણાવ્યું હતું કે FD ઓનલાઈન ટ્રાન્સફર થઈ છે. જોકે, ગ્રાહકો આ વાતને રદિયો આપતાં સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેમણે ઓનલાઈન કોઈ પ્રકારની ટ્રાન્સફર કે કાર્યવાહી કરી નથી.
ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા એક અઠવાડિયાથી તેઓ પોતાની FD ઉપાડવા માટે બેંકના ધક્કા ખાઈ રહ્યા છે. તેમની પાસે FDની હાર્ડ કોપી હોવા છતાં બેંકના કર્મચારીઓ અને મેનેજર તેમને ઉડાવ જવાબ આપી રહ્યા છે કે FD ઓનલાઈન ઉપાડી લેવામાં આવી છે. વધુમાં, ગ્રાહકોએ જણાવ્યું કે જ્યારે તેઓ તેમના પૈસા મેળવવા માટે બેંકમાં જાય છે, ત્યારે બેંક મેનેજર અને કર્મચારીઓ તેમની સાથે ખરાબ વર્તન કરે છે અને “તમારાથી થાય તે કરી લો” તેમ કહીને તેમને ધક્કા મારીને બેંકની બહાર કાઢી મૂકે છે.
ગ્રાહકોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે બેંક મેનેજર અને કર્મચારીઓ દ્વારા બેંકમાં સુરક્ષાકર્મીઓ સાથે બાઉન્સરો પણ મૂકવામાં આવ્યા છે. આ પાછળનો હેતુ ગ્રાહકોને બેંકમાં પ્રવેશતા અટકાવવાનો અને મેનેજર સાથે કોઈ ચર્ચા ન થાય તે માટે બળ પ્રયોગ કરવાનો હોવાનું ગ્રાહકો માની રહ્યા છે.
પોતાના બચતના રૂપિયા ગાયબ થઈ જતાં ગ્રાહકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો માંજલપુર ખાનગી બેંકની બહાર એકઠા થયા હતા. ગ્રાહકોએ આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ગ્રાહકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ ખાનગી બેંક દ્વારા હજારો નાગરિકોના રૂપિયા ગાયબ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોએ માંગ કરી છે કે તેમની FD અને બેંકમાં મૂકેલા નાણાં તાત્કાલિક પરત મળવા જોઈએ.