આયોગના રજિસ્ટ્રારે 18 માર્ચ, 2025ના પત્ર દ્વારા કલેકટર, વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી
નિયમ વિરુદ્ધ ફી વસૂલાતી હોવાના અને ન ચુકવનાર વિદ્યાર્થીઓ સાથે અસમાન વર્તનના આક્ષેપ :
સ્કૂલ સંચાલકો સામે અસરકારક કાર્યવાહી કરવા માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા શહેરની પોદાર વર્લ્ડ સ્કૂલ સામે બાળકો સાથે ભેદભાવ અને માનસિક છેડછાડના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વિઘાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર નિયમ વિરુદ્ધ ફી વસૂલાતી હોવાના અને ન ચુકવનાર વિદ્યાર્થીઓ સાથે અસમાન વર્તનના આરોપ લગાવવામાં આવ્યા છે. DEO તથા FRC સમક્ષ અનેક વખત રજૂઆત કરાય બાદ પણ સમસ્યાનું કોઈ સમાધાન ન થતાં વાલીઓએ રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગનો આશરો લીધો હતો.
આયોગના રજિસ્ટ્રારે 18 માર્ચ, 2025ના પત્ર દ્વારા કલેકટર વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. શાળા દ્વારા હોબી ક્લાસ અને એક્ટિવિટી પિરિયડ્સના બહાને ભેદભાવ વધારવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ આ માટે વધારાની ફી નથી ચૂકવતાં, તેમને નિયમિત વર્ગમાં બેસાડવામાં નહિ દેતાં, અને શિક્ષકો દ્વારા તેમના માતા-પિતાને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સમારંભોમાં પણ ફી ન ચૂકવનાર વિદ્યાર્થીઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં નથી આવી. આવી નીતિઓના કારણે વિદ્યાર્થીઓમાં હીનભાવના અને માનસિક તણાવ સર્જાઈ રહ્યો છે. આ ઘટનાઓ ભારતના સંવિધાનના કલમ 14 અને 21, તેમજ બાળ ન્યાય અધિનિયમ, 2015, FRC અધિનિયમ, 2017 અને RTE કાયદાની ઉલ્લંઘના છે. ત્યારે, આજરોજ પેરેન્ટ્સ એસોસિએશનના અગ્રણીઓ સાથે વાલીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.