હંગામી ધોરણે બંધ કરવા મુકેલા બેરિકેડ્સ અને બ્લોક્સ હટાવી લોકો રોડ ક્રોસ કરતા હતા
પોલીસ કમિશનરે પત્ર લખીને મ્યુનિસિપલ કમિશનરને કટ્સ બંધ કરવા રજૂઆત કરી હતી
પ્રતિનિધિ વડોદરા તા.7
વડોદરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા કરાયેલા સર્વેમાં ડિવાઇડર પરના મિડિયન કટ્સના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હોવાથી કટ્સ બંધ કરવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો હતો. ત્યારે પ્રથમ ટેમ્પરરી ધોરણે બેરિકેડ્સ મુકીને કટ્સ બંધ કર્યા હતા. ત્યારે હવે પાલિકા દ્વારા આ મિડિયન કટ્સ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને આગામી દિવસોમાં કટ્સના કારણે થતા અકસ્માતોની સંખ્યાં ઘટશે.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અન તેમાં પણ ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા કેટલાક કર્મચારીઓની ટીમ બનાવીને કયા કારણોસર અકસ્માત થાય છે. તેનો સમગ્ર શહેરમાં સર્વે કરાયો હતો. જેમાં મોટાભાગ ભાગે રોડ પર આવતા કેટલાક હોસ્પિટલો, હોટલો, સોસાયટી આવતા હોય તો ત્યાં લોકોએ ડિવાઇડર પર કટ લગાવીને વળાંક બનાવી લીધા હતા. પોલીસના સર્વે દરમિયાન આ મિડિયન કટ્સમાંથી પસાર થવાના કારણે મોટાભાગે અકસ્માત થયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે પત્ર દ્વારા વહેલીકતકે મિડિયન કટ્સ બંધ કરી દેવા માટેની રજૂઆત કરી હતી. જેને લઇને પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાઇમરી ધોરણે બેરીકેડ્સ મુકીને કટ્સ બંધ કર્યા હતા. પરંતુ તેનું કોઇ પાલન કરતું ન હતું અને બેરિકેડ્સ હટાવીને વાહનચાલકો નીકળી જતા હતા. ત્યારે પાલિકા દ્વારા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ મિડિયન કટ્સ પર ડિવાઇડર બનાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવી ભીતિ સેવાઇ રહી છે.
– કટ્સ બંધ કરવા મુકેલા લોખંડના બેરિકેડ્સની ચોરી પણ થઇ હતી
પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિવાઇડરની વચ્ચે આવતા મિડિયન કટ્સ બંધ કરવા માટે કેટલાક બેરીકેડ્સ મુકી દીધા હતા. પરંતુ વાહનચાલકો પ્રાઇમરી ધોરણે મુકેલા આ લોખંડના બેરિકેડ્સ હટાવીને ત્યાંથી નીકળવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ કેટલાક લોકો તો આ લોખંડના સ્થભ જેવા બેરિકેડ્સ કાઢીને ચોરી કરી લઇ ગયા હતા. જેના કારણે સરકારી પ્રોપર્ટીને નુકસાન પણ પહોચ્યું હતું. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
