Vadodara

વડોદરા : આરસી દત્ત રોડ પર આવેલી દુકાનમાંથી ડુપ્લીકેટ સિગારેટનું વેચાણ કરનાર પિતા પુત્ર ઝડપાયા, અન્ય એક વોન્ટેડ

એસ ઓ જી પોલીસ અને કંપનીના કર્મચારીઓની દુકાનમાં રેડ, રૂ. 14 હજારના 84 બોક્સ કબજે

વડોદરા તા. 9

વડોદરા શહેરના આરસી દત્ત રોડ પર ગાયત્રી ચેમ્બર્સમાં આવેલી બે દુકાનમાંથી ગોલ્ડ ફ્લેક્સ સિગારેટ નો રૂપિયા 14 હજાર નો ડુપ્લીકેટ જથ્થો એસઓજી પોલીસ અને કંપનીના કર્મચારીએ રેડ પાડીને ઝડપી પાડ્યો હતો. ડુપ્લીકેટ સિગારેટનું વેચાણ કરનાર પિતા પુત્રની અટકાયત કરી માલ સપ્લાય કરનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
તાજેતરમાં વડોદરા જિલ્લાના સાકરદા ગામ પાસે ડુપ્લિકેટ સિગારેટ બનાવતી કંપની ઝડપાઈ હતી. ત્યારે કલકત્તા ખાતે આવેલી ઇન્ડિયન ટોબેકો કંપનીના કર્મચારીઓને બાતમી મળી હતી કે આરસી દત્ત રોડ પર આવેલા ગાયત્રી ચેમ્બર્સની દુકાનમાં ગોલ્ડ ફ્લેક સિગારેટનો ડુપ્લીકેટ માલ વેચવામાં આવે છે. જેના આધારે કંપનીના કર્મચારીઓએ એસ.ઓ.જી પોલીસને સાથે રાખી બાતમી મુજબની આર સી રોડ ઉપર ગાયત્રી ચેમ્બર્સમાં આવેલી દુકાનમાં રેડ કરવામાં આવી હતી. આ દુકાનમાંથી રાજેન્દ્ર અગ્રવાલ તથા તેના પુત્ર આકાશ રાજેન્દ્ર અગ્રવાલ હાજર મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને કંપનીના કર્મચારીઓ દ્વારા દુકાનમાં જડતી કરવામાં આવી હતી. ત્યારે દુકાનમાંથી ગોલ્ડ ફ્લેક સિગારેટના 84 બોક્સ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા પિતા-પુત્રની પૂછપરછ કરતા તેઓએ જંગદંબા સ્ટોર ના પ્રોપરાઇટર હોવાનું પણ જણાવ્યું હતું. જેથી એસોજી પોલીસે ₹ 14 હજારની ડુપ્લીકેટ ગોલ્ડ ફલેક સિગારેટના જથ્થા સાથે પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. જ્યારે સિગારેટ સપ્લાય કરનાર ગુલામ સૈયદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે પણ વેપારી પિતા પુત્ર ઉપર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top