શહેરમાં ભૂંડોનો ત્રાસ વધ્યો, કેટલાક બાળકોને પણ ઇજાગ્રસ્ત કર્યા હોવાના કિસ્સા બન્યા છે :
મહિલા કોર્પોરેટરોએ ભૂંડો પકડવામાં નહીં આવે તો અમે ભૂંડો પકડીને કોર્પોરેશનની સભામાં લાવીને છોડી મુકીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરા કોર્પોરેશન ની સમગ્ર સભામાં વોર્ડ નંબર 15 ના બે મહિલા કોર્પોરેટર દ્વારા શહેરમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને જો તેને પકડવામાં નહીં આવે તો અમે ભૂંડો ને પકડીને સભામાં રજૂ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા આજે કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા 21 વર્ષ બાદ પ્રથમ વાર 35 ભૂંડ પકડી લેવાયા છે.


વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાને કારણે કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તે મુજબ ગાયો પકડવાની કામગીરી કરવામાં આવે છે. ગેરકાયદે ઢોરવાડા પણ બંધ કરવામાં આવે છે. પરંતુ આજ દિન સુધી 21વર્ષમાં ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગઈકાલે કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 15 ના ભાજપના બે મહિલા કોર્પોરેટર પુનમબેન શાહ અને પારુલ બેન પટેલ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને કેટલીક જગ્યાએ નાના બાળકોને ભૂંડ કરડ્યા પણ હોવાના કિસ્સા બન્યા છે. ભૂંડોના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ભૂંડો પકડવામાં નહીં આવે તો અમારે ભૂંડો પકડીને કોર્પોરેશનની સભામાં લાવીને છોડી મુકીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. મહિલા કોર્પોરેટરોની ચીમકી બાદ આજે વડોદરા કોર્પોરેશનના માર્કેટ ઇન્સ્પેક્ટર વિજય ભાઈ પંચાલની ટીમ દ્વારા જે વિસ્તારમાં ભૂંડો રાખવામાં આવે છે. તેવા બાપોદ સમર્પણ સોસાયટીની બાજુમાં ઉકાજી ના વાડિયા પાસે ભાથુજીનગર માં રહેતા રવિ શિકલીગરના મકાનના કમ્પાઉન્ડમાં ભૂંડો રાખવામાં આવ્યા હતા. ત્યાંથી 35 ભૂંડ પકડ્યા હતા અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂંડો પકડવાની કામગીરી માટે વર્ષ 2001 અને વર્ષ 2003માં મદુરાઈથી ટીમ બોલાવવામાં આવી હતી અને ત્યારે સતત એક વર્ષ સુધી ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ 21 વર્ષ સુધી ક્યારે પણ ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવી ન હતી. હવે કોર્પોરેશન નું તંત્ર ફરી જાગ્યું છે અને જે રીતે કોર્પોરેશન ગાયો પકડવા માટે અલગ અલગ ઢોર પાર્ટી તૈયાર રાખી છે, તે રીતે ફરી એકવાર કોર્પોરેશનના માર્કેટ ઇન્સ્પેક્ટર દ્વારા ભૂંડ પકડવાની કામગીરી નો કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.