કમિશનરે અધિકારીઓને ડ્રેનેજથી લઈ પીવાનું પાણી સુધી તમામ મુદ્દાઓ પર કડક સૂચના આપી
વડોદરા શહેરમાં ભર ઉનાળે માત્ર બે ઇંચ વરસાદમાં જ દયનીય સ્થિતિ સર્જાતા, કોર્પોરેશનની પ્રીમોન્સૂન કામગીરીની હકીકત જાહેર થઇ ગઈ હતી. એ અનુકૂળતાને ધ્યાને લઈ આજે વડોદરા મહાનગરપાલિકાની વડીકચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં કમિશનરે શહેરના વિવિધ ઝોનમાં જલદીથી અને અસરકારક રીતે પ્રીમોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનો આપ્યા. મુખ્યત્વે ડ્રેનેજ લાઇન, કેચપીટ, વરસાદી ચેનલ, કાંસ સફાઈ, સ્ટ્રોમ વોટર મેનહોલ, રોડ પેચવર્ક, બ્રિજ રિપેરિંગ, અને લિકેજની કામગીરી આવતા 10 દિવસમાં પૂરી કરવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. સાથે સાથે, શહેરના વિવિધ STP પ્લાન્ટમાંથી પાણીના લેબોરેટરી ટેસ્ટ કરવાની સૂચના પણ અપાઈ છે, તથા વિશ્વામિત્રી નદીમાં જતા ગંદા પાણીના પ્રવાહને અટકાવવાનું આયોજન કરવામાં આવશે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને પીવાના પાણીની ગુણવત્તા સુધારવા તરફ પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે.

કમિશનરે તાકીદ કરી છે કે ડ્રેનેજ નેટવર્ક, રોડ નેટવર્ક અને પીવાના પાણીના નેટવર્કને વધુ અસરકારક બનાવી નાગરિકોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થાય એ બાબતે કોઈ કચાસ ન રહે. ઉલ્લેખનીય છે કે, પીવાનું પાણી અને વરસાદી પાણી વડોદરા શહેર માટે લાંબા સમયથી મોટી સમસ્યા રહ્યા છે. હવે નવો મ્યુનિસિપલ કમિશનર સતત બેઠકો કરી રહ્યા છે, પણ તેની અસર વાસ્તવમાં ભૂમિસ્તરે દેખાય છે કે નહીં તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
