
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પર એક મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે “ઓપરેશન સિંદૂર” શરૂ થયા પછી તેમના ફેસબુક ફીડમાં એક અલગ જ પ્રકારના પેજ દેખાવા લાગ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઘણી વખત ફેસબુક તેમના ફીડમાં પાકિસ્તાની પેજો બતાવે છે. આ પેજો પર કોમેડી કે મજાકના નામે ભારત વિરુદ્ધ વાતો કરવામાં આવે છે કે પાકિસ્તાનને સમર્થન આપવામાં આવે છે. શરૂઆતમાં એમ લાગ્યું હતું કે કદાચ આ પેજો કોઈ રાજકીય પાર્ટીના છે, પરંતુ પછી ખબર પડી કે એ બધા પેજો પાકિસ્તાની છે. હવે પ્રશ્ન એ છે કે ફેસબુક ભારતના નાગરિકોને આવા પેજ કેમ બતાવે છે? સાંસદે આ બાબતને ગંભીરતાથી લેવાની વાત ફેસબુક અને ભારત સરકારના માહિતી વિભાગ (IT મંત્રાલય)ને કહી છે. તેમના મતે, આજે યુદ્ધ ફક્ત સરહદ પર નહીં, પણ ઈન્ટરનેટ પર પણ થાય છે. ત્યારે આપણે સૌએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
