ગરમીના કારણે રસ્તા પર ડામર પીગળ્યો, ચાલકો બ્રિજ પર જવાનું ટાળ્યું અન્ય રસ્તે ફંટાયા
વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ પરથી લાલબાગ સ્વિમિંગ પુલ તરફ જતા રસ્તા પર આજે બપોરના સમયે ડામર એટલો બધો પીગળ્યો હતો કે, ગાડીઓ, ખાસ કરીને ટુ-વ્હીલરના ટાયરની છાપ રોડ પર છૂટી જતી હતી. આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકોએ આ રસ્તે જવાનું ટાળી અન્ય માર્ગે ફંટાવી દીધું હતું. ટુ-વ્હીલર ચાલકો માટે ચીકણા રોડ પર ગાડી લઈ જવી જોખમભરી બની હતી.

આવી ઘટના વડોદરામાં પહેલી વાર નથી થઈ. હલકી ગુણવત્તાના રોડ બનાવવાના કિસ્સાઓ અને ઉનાળાની તીવ્ર ગરમીમાં ડામર પીગળવાની ઘટનાઓ વારંવાર સર્જાય છે. આ બાબતે પાલિકા દ્વારા ગંભીર કાર્યવાહી ન લેવાતા આ સમસ્યાનું પુનરાવર્તન થયું છે. રોડ પર ડામર પીગળવાથી વાહન ચાલકો માટે સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને પાલિકાની કામગીરી પરથી લોકોનો વિશ્વાસ ઘટ્યો છે.
હવે, આ પ્રકારની બેજવાબદારી દાખવનાર વિરૂદ્ધ તંત્ર કઈ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે. સ્માર્ટ સિટીની તર્જ પર વિકસતા વડોદરામાં આવા દ્રશ્યો લોકોના વિશ્વાસને ધક્કો પહોંચાડે છે.
