Vadodara

મહેમદાવાદમાં પરિણીતાએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો

સરસવણીની પરીણિતાએ સાસરીયાના ત્રાસથી અંતિમ પગલું ભરતાં અટકાયત કરાઇ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.14

મહેમદાવાદના સરસવણી ગામની પરીણિતાએ પોતાના પતિ, જેઠ, સાસુ અને સસરાના ત્રાસથી સ્યૂસાઈડ કર્યું છે. ઘરના કામકાજ બાબતે અને નાની નાની વાતોમાં પરીણિતાને હેરના કરી મરવા મજબૂર કરતા પરીણિતાએ આત્મઘાતી પગલું ભર્યું છે. આ બનાવ મામલે મરણ જનારના પતિ, જેઠ, સાસુ અને સસરા વિરુદ્ધ મહેમદાવાદ પોલીસમાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઠલાલ તાલુકાના પીઠાઈ, લલ્લુપુરા ગામે રહેતા 42 વર્ષીય જેસંગભાઈ મંગળભાઈ પરમારની સૌથી નાની દિકરી નીતીક્ષાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે રહેતા વિક્રમભાઈ ઉદેસિંહ સોઢાપરમારના પુત્ર ચંદ્રેશભાઇ સાથે થયા છે. તો નીતીક્ષાની સગીબેનના લગ્ન આ વિક્રમભાઈના અન્ય પુત્ર વિરેશકુમાર સાથે થયા છે. જે નિતીક્ષાના જેઠ થાય છે. નીતીક્ષાના લગ્ન બાદ પતિ, જેઠ, સાસુ અને સસરા સારી રીતે રાખ્યા બાદ નીતિક્ષાના પતિના અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ બાબતની જાણ નીતીક્ષાની થઈ હતી. જેથી નીતીક્ષાએ પોતાના પતિ ચંદ્રેશને ઠપકો આપ્યો હતો. જોકે આ સમયે ચંદ્રશે તેની સાથે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પતિ અવારનવાર દારૂ પી આવી પોતાની પત્નીને ઢોર માર મારતો હતો. જેથી આ બાબતે નીતીક્ષા અવારનવાર રિસાઈને પોતાના પિયરમાં આવી જતી હતી અને પોતાના માવતર તેમજ ભાઈને સમગ્ર બાબતે વાકેફ કરતી હતી. જોકે તેણીના માવતરે એમ કહેતા કે આપણી બે દીકરી એક જ ઘરમાં છે જેથી તું સુખ દુઃખ સહન કરીને રહેજે.

જો કે, નીતીક્ષા સાસરીમાં રહેતી હોય ત્યારે તેના પતિ ચંદ્રેશ સોઢા પરમાર, જેઠ વિરેશ સોઢા પરમાર, સાસુ વિદ્યાબેન સોઢા પરમાર અને સસરા વિક્રમભાઈ સોઢા પરમાર તમામ લોકો નીતીક્ષાને અસહ્ય ત્રાસ આપતા હતા. જેથી નીતીક્ષા કંટાળી ગઈ હતી અને પોતાના માવતરને કહ્યું કે હું આત્મહત્યા કરી લઉં તેવો વિચાર આવે છે જેથી નીતીક્ષાના માવતરએ પોતાના જમાઈ ચંદ્રેશ તેમજ વેવાઈ, વેવાણને સમજાવ્યા હતા. જોકે એ બાદ આ તમામ લોકો નીતીક્ષાને વધુ હેરાન પરેશાન કરવા લાગ્યા હતા અને મારઝુડ કરવા લાગ્યા હતા. ગત 28મી એપ્રિલના રોજ નીતીક્ષાએ પોતાના માતાપિતાને ફોન કરીને કહ્યું કે તમે મને તેડી જાવ તેમ કહેતા નિતીક્ષાના ભાઈ તેણીને સાસરીથી દોડી જઇ પિયરમાં તેડી લાવ્યો હતો. જોકે બાદમાં નીતીક્ષાના સસરાએ કહ્યું કે અમારી આબરુ જાય છે તમે પુત્રવધુને સાસરે પાછી મોકલો જેથી નીતીક્ષાના માવતર તેણીને સાસરે મૂકી આવ્યા હતા. ઉપરોક્ત બાબતે ઉપરોક્ત તમામ લોકોને ઠપકો આપ્યો હતો. જે બાદ ગત 5 મે ના રોજ નિતિક્ષા વહેલી સવારે પોતાની સાસરીમાંથી ક્યાંક ચાલી ગઈ હતી જે બાદ મોડી સુધી તેનો કોઈ અતોપતો મળ્યો નહોતો.  ભારે શોધખોળ વચ્ચે 6મેના રોજ નીતીક્ષાનો મૃતદેહ મહેમદાવાદ તાલુકાના જીંજર ગામ નજીકથી પસાર થતી કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો. આ બાબતે નીતીક્ષાના પિતા જેસંગભાઈ પરમારે મહેમદાવાદ પોલીસમાં અમોત દાખલ કરાવી હતી. જોકે પોતાની દીકરીને સાસરીના લોકો ત્રાસ આપતા હોય આ તમામ હકીકતોથી દીકરીના પિતા વાકેફ હતા આથી તેમણે આ મામલે મહેમદાવાદ પોલીસમાં મૃતક નિતિક્ષાના પતિ, જેઠ, સાસુ અને સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top