Charotar

પેટલાદની ઇશીતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણના નેટવર્કનો પર્દાફાશ

પેટલાદમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરાયું

હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યાં

(પ્રતિનિધિ) પેટલાદ તા.16

પેટલાદ શહેરમાં આવેલી ઈશીતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ગર્ભ પરીક્ષણના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે આરોગ્ય વિભાગે હોસ્પિટલના બે મશીન સીલ કરી તપાસ હાથ ધરી છે.

આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ દ્વારા પીસી – પીએનડીટી અંતર્ગત સેક્સ રેશિયોમાં સુધારો લાવવા જિલ્લામાં બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તે માટે તપાસ કરવા સુચના આપી હતી. આ અંગે પેટલાદ તાલુકા હેલ્થ ઓફિસર સહિત ટીમે એક ફરિયાદ આધારે ગાયનેકોલોજીસ્ટ ડો. જે. કે. વાઘેલાએ ઈશીતા હોસ્પિટલમાં સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ડો. જે. કે. વાઘેલા દ્વારા ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ભાંડો ફુટ્યો હતો. આથી, આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જ ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.  આથી, તાત્કાલિક હોસ્પિટલમાં ખાતે રહેલા બે સોનોગ્રાફી મશીનને સીલ કરી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પીએનડીટી એક્ટનો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે રેકોર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇશીતા હોસ્પિટલમાં ડો. જે. કે. વાઘેલા દ્વારા પીએનડીટી એક્ટનો ભંગ કર્યો છે કે કેમ તે અંગે તપાસ કર્યા બાદ તેમનું સોનોગ્રાફી કેન્સલેશન કરાશે. આ ઉપરાંત સમગ્ર મામલે સ્ટાફના પણ નિવેદન લેવામાં આવશે.

આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે પી સી એન્ડ પીએનડીટી એકટનો  ભંગ ના થાય તે જોવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top