વડોદરા: મહાનગર પાલિકાની ત્રણ માસ બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલન બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે ધારાસભ્યોએ રજૂઆત કર્યા બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા ત્રણ ડેપ્યુટી એન્જિનિયરોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાંક સમયથી ખાડા પુરવાનું કામ, ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી તેમજ તાત્કાલિક વિકાસ કામોમાં બિલંબ થતો હોવાનું પાલિકા અધિકારીઓએ પણ માન્યું છે. પાલિકા તરફથી કહેવામાં આવ્યું કે, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.
સંકલન બેઠક દરમિયાન મંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, સયાજીગંજના કેયુર રોકડિયા અને શહેર ધારાસભ્ય મનીષા વકીલે ખાસ કરીને ચોમાસા પહેલા રસ્તાઓ, ખાડાઓની સ્થિતિ, ડ્રેનેજ લાઇન અને દબાણ દૂર કરવાની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમને કહ્યું હતું કે, ફક્ત કચેરીમાંથી ફાઇલો ચલાવવાથી કામ નહીં ચાલે, અધિકારીઓએ વિસ્તારના હાલત જોવા ફીલ્ડમાં જવું જોઈએ. સ્થાનિક વોર્ડ લેવલે કામનું અમલીકરણ થાય તે મહત્વપૂર્ણ છે. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
