પત્ની સાથે રાત્રે બે વાગ્યાની આસપાસ આવેલ પતિએ યુવકને અપશબ્દો બોલી કમરના નીચેના ભાગે ચાકુ જેવા તિક્ષણ હથિયારથી ઘા મારતાં યુવક ઇજાગ્રસ્ત
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા દંપતી પૈકી પતિએ પોતાની પત્ની સાથે આડા સંબંધની આશંકાએ દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા યુવકને રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ દાંડિયાબજાર સિધ્ધિ વિનાયક મંદિર સામે બસસ્ટેન્ડ પાસે બોલાવી અપશબ્દો બોલી મારામારી કરી હતી અને કમરથી નીચેના ભાગે ચાકુથી હૂમલો કરતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો.સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ સભા હોલની પાછળના હરિ નિવાસ માં પરિવાર સાથે રહેતા હિમાંશુભાઇ રાજુભાઇ ધુમાલ નામના આશરે 34 વર્ષીય યુવક ઇવેન્ટમાં બાઉન્સર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ હિમાંશુ ના મોબાઈલ ફોન પર શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા રૂપેશભાઇ શિંદે નો ફોન આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે “તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે હું તારા ઘરે આવું છું” તેમ કહી રૂપેશ શિંદે પોતાની પત્ની સાથે દાંડિયાબજાર સ્થિત સિધ્ધિ વિનાયક મંદિર સામે આવેલા બસસ્ટેન્ડ પાસે આવ્યો હતો જ્યાં હિમાંશુ જતાં રૂપેશ શિંદે એ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી “તું મારી પત્ની સાથે કેટલા સમયથી આડા સંબંધ રાખે છે” તેમ કહી મારામારી કરવા લાગ્યો હતો અને તે દરમિયાન રૂપેશ શિંદે એ હિમાંશુને કમરથી નીચેના થાપાના ભાગે ચાકુ મારી દીધું હતું.આ ઝઘડા દરમિયાન હિમાંશુના મિત્રો આવી જતાં રૂપેશ શિંદે અને તેની પત્ની ત્યાંથી ભાગી ગયા હતા સમગ્ર મામલે હિમાંશુ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રૂપેશ શિંદે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
