Vadodara

“ખાધાખોરાકીના કેસમાં સમાધાન કરો અથવા તો મકાન અમારા નામે કરી દો” , દીકરા અને વહુએ સાસુ સસરાને ધમકી આપી


*મકાન પોતાના નામે કરી ઘરમાંથી નિકળી જવાની અને જાનથી મારી નાખવાની માતા પિતાને કળિયુગી પુત્ર અને પુત્રવધુની ધમકી*

*પિતા સંયુક્ત માલિકીના ડુપ્લેક્ષ મકાનમાં નિવૃત્ત જીવન વીતાવે છે*

(પ્રતિનિધિ) વડોદરા તા.14

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પરિવાર ચારરસ્તા પાસે આવેલા ડુપ્લેક્ષમા નિવૃત્ત જીવન ગાળતા પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેરના પુત્ર અને પુત્રવધૂએ ખાધાખોરાકીના કેસમાં સમાધાન કરી લેવા અથવા તો મકાન પોતાના નામે કરી મકાનમાંથી નિકળી જવાની ધમકી આપી ઝઘડો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ દંપતીએ પોતાના દીકરા અને વહુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

કળિયુગમાં સગાં માતાપિતા કે જેમણે પોતાના સંતાનોને સુખે દુઃખે મોટા કરી શિક્ષણ આપી યોગ્ય બનાવ્યા અને પગભર કર્યા બાદ તે જ પુત્ર પોતાની પત્ની અને અન્યના કહેવાથી પોતાના માતાપિતાની સેવા કરવાને બદલે ઘરમાંથી કાઢી મૂકવા અને સંપત્તિ પોતાના નામે કરવા અપશબ્દો બોલી ઝઘડો કરે અને પોતાના સગા માતાપિતાને જ સંપત્તિ માટે જાનથી મારી નાખવાની ધમકી આપે? આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત પરિવાર ચારરસ્તા ખાતે આવેલા નારાયણ હાઇલાઇફ ડુપ્લેક્ષ ખાતે આશરે 66 વર્ષીય જશુભાઇ ગોવિંદભાઈ માયાવંશી પોતાના પત્ની સાથે નિવૃત્ત જીવન વીતાવે છે તેઓ વર્ષ -2017મા ડભોઇ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થયા હતા તેઓને સંતાનમાં એક દીકરો રાજુભાઇ છે જેઓના લગ્ન તરસાલી ખાતે રહેતા વંદનાબેન હસમુખભાઈ વણકર સાથે થયા છે અને દીકરો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાખા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જશુભાઇએ વર્ષ 2011 માં નારાયણ હાઇલાઇફ ડુપ્લેક્ષમા મકાન નં.45 પોતાના તથા દીકરાના સંયુક્ત નામેથી ખરીધ્યું હતું. જેમાં જશુભાઇ પોતાના પત્ની સાથે પ્રથમ માળે પર રહે છે. વર્ષ -2023 થી દીકરો તથા પત્ની પણ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. આ મકાનનો દર મહિને રૂ.15,600 નો હપ્તો જશુભાઇના બેંક ખાતામાંથી ભરાય છે. ગત તા.12મે ના રોજ રાત્રે જશુભાઇ પોતાના પત્ની સાથે બહાર જવા માટે નીચે ઉતરતા હતા. તે દરમિયાન દીકરા રાજુભાઇ તથા તેના પત્નીએ જશુભાઇ ને જણાવ્યું હતું કે,”તમે અમારા પર કરેલ ખાધાખોરાકીના કેસમાં સમાધાન કરી દો અને આ મકાન અમારા નામે કરી દો અને સમાધાન ના કરવું હોય તો ઘરમાંથી નીકળી જાઓ” તેમ કહી બિભત્સ શબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વયોવૃદ્ધ દંપતીએ દીકરા અને વહુ સામે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અગાઉ પણ દીકરા અને તેના પત્નીએ ઝઘડો કર્યો હોય કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top