સુરત: સુરતમાં (Surat) ફરી એકવાર કોરોનાનો (Corona) ચેપ (Infection) વધ્યો છે. આ વખતે મહામારીએ વિદ્યાર્થીને (Students) પોતાની ચપેટમાં લીધા છે. બુધવારે તા. 26 જાન્યુઆરીના દિવસે શહેરમાં 24 વિદ્યાર્થી આ બિમારીમાં સપડાયા હતા. જેના પગલે મનપા તંત્ર દ્વારા શાળા, (Schools) કોલેજમાં (College) કુલ 388 કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact Tracing) કરાયું હતું. શહેરમાં અત્યારે 900થી વધુ વિદ્યાર્થી આ રોગની સારવાર લઈ રહ્યાં છે.
બુધવારે સુરતમાં 24 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Positive) આવ્યો હતો, જેના પગલે આ વિદ્યાર્થીઓ જે સ્કૂલ-કોલેજમાં ભણતા હતા તેના ક્લાસરૂમ્સ બંધ કરાવાયા છે. સુમન શાળા-ઉધના, એલપી સવાણી સ્કૂલ, એક્સપરિમેન્ટ, એસવીએનઆઈટી કોલેજ, વાડિયા વિમેન્સ કોલેજ જેવા શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે નવા કોરોના પોઝિટિવનો કુલ આંક ઘટ્યો છે. બુધવારે 1288 નવા કેસ નોંધાયા હતા. તેમજ 4317 દર્દી સ્વસ્થ થયા છે. જોકે, મૃત્યુ આંક વધતા મનપા તંત્ર ચિંતિત બન્યું છે.
કોરોનાથી લિંબાયતમાં મહિલા અને સિંગણપોરમાં પુરૂષનું મોત
આ અગાઉ મંગળવારે કોવિડના લીધે એક મહિલા અને એક પુરુષના મોતના સમાચાર આવ્યા હતા. લિંબાયત ઝોનમાં ભાઠેના ખાતે રહેતી 50 વર્ષીય મહિલાને ગત 21 તારીખે નવી સિવિલમાં દાખલ કરાઈ હતી. મહિલાને કોવિડ પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતી. દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું. મહિલાને બ્લડ પ્રેસર, હૃદય અને ડાયાબીટીસની બામીરી હતી. સિંગણપોર ખાતે રહેતા 56 વર્ષીય આધેડ પુરૂષને પણ ગત 21 તારીખે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે તેમનું મોત નીપજ્યું હતું. તેમને ખેંચની બિમારી હતી. કોરોનાથી આમ મંગળવારે બેના મોત નીપજ્યા હતા. આ સિવાય નવી સિવિલમાં બે જણાનો કોવિડ ગાઈડ લાઈનથી નિકાલ કરાયો હતો. જોકે તેની સત્તાવાર માહિતી તંત્રએ આપી નહોતી.
સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટેના 35 અને વયસ્કો માટે વધુ 15 વેલ્ટીલેટર મનપા ખરીદશે
સુરત: સુરત મનપા દ્વારા કોવિડની મહામારીમાંથી શીખ લઇને સ્મીમેર હોસ્પિટલમાં વધુમાં વધુ સુવિધાઓ ઉભી કરવાની નીતિ અપનાવી છે, ત્યારે શહેરમાં બાળકો માટેના વેન્ટીલેટર મુદ્દે અછતને ધ્યાને રાખી મહાનગર પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે 35 ICU વેન્ટિલેટર અને 15 નીઓનેટલ વેન્ટિલેટર ખરીદવાની તૈયારી કરી છે. 25મી જાન્યુઆરીના રોજ મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં સ્મીમેરના પ્રતિ એક નંગ ICU વેન્ટિલેટર 10.97 લાખની કિંમતે 3,83,95,000ની કિંમતના 35 વેન્ટીલેટર ખરીદવા તેમજ બાળકો માટેના એક નંગ વેન્ટીલેટર 11.77 લાખ રૂપિયા લેખે 15 વેન્ટીલેટર 1,76,55,000માં ખરીદવાની મંજુરી શાસકો દ્વારા આપવામાં આવી છે.
સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળા સાથે ત્રણનાં મોત
બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળાની સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થતાં લોકો ચિંતિત બન્યા છે. મંગળવારે જિલ્લામાં 472 નવા કેસ સાથે મહુવામાં 2 અને ઓલપાડમાં 1 મળી કુલ 3 મોત નોંધાયાં હતાં. મંગળવારે ફરીથી કેસોની સંખ્યા બે ગણી વધી ગઈ હતી. સુરત જિલ્લામાં નવા 472 કેસ સાથે કુલ 39120 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 3159 છે. નવા કેસોની સામે રિકવર થવાનો રેટ ઊંચો હોવાથી થોડા અંશે રાહત જોવા મળી છે. મંગળવારે 644 દર્દી કોરોનામુક્ત થયા હતા. બીજી તરફ મૃત્યુ આંકે લોકોની ચિંતા વધારી છે. મંગળવારે ત્રણ વ્યક્તિ કોરોનાથી મોતને ભેટી હતી. જેમાં મહુવાના કાની ગામે 93 વર્ષના વૃદ્ધ, પુના ગામના 70 વર્ષના વૃદ્ધ અને ઓલપાડના સીથાણના 82 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 42, ઓલપાડમાં 50, કામરેજમાં 83, પલસાણામાં 50, બારડોલીમાં 76, મહુવામાં 62, માંડવીમાં 59, માંગરોળમાં 38 અને ઉમરપાડામાં 12 કેસ નોંધાયા હતા.
મંગળવારે અમદાવાદમાં કોરોનાથી 28 લોકોના મોત થયા
રાજ્યમાં મંગળવારે કોરોનાથી અમદાવાદ મનપામાં 10 દર્દીઓ સહિત 28 લોકોનો મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદ મનપામાં 10, સુરત ગ્રામ્ય 3, વડોદરા મનપા, સુરત મનપા, જામનગર મનપા- ગ્રામ્યમાં 2-2, જ્યારે મહેસાણા, નવસારી, ખેડા, પંચમહાલ, ભાવનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં મંગળવારે અમદાવાદ મનપામાં 5303, વડોદરા મનપામાં 3041, રાજકોટ મનપામાં 1376, સુરત મનપામાં 1004, વડોદરા ગ્રામ્યમાં 761, સુરત ગ્રામ્યમાં 472, જામનગર મનપામાં 357, ગાંધીનગર મનપામાં 309, ભાવનગર મનપામાં 293, મહેસાણામાં 277, ભરૂચમાં 273, રાજકોટ ગ્રામ્યમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244, વલસાડમાં 238, પાટણમાં 196, બનાસકાંઠામાં 172, ગાંધીનગર ગ્રામ્યમાં 171, સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, ખેડામાં 136, સુરેન્દ્રનગરમાં 124, પંચમહાલમાં 98, જામનગર ગ્રામ્યમાં 89, અમદાવાદ ગ્રામ્યમાં 83, જુનાગઢ ગ્રામ્યમાં 83, તાપીમાં 77, જૂનાગઢ મનપામાં 66, દાહોદમાં 41, ગીર સોમનાથમાં 38, પોરબંદરમાં 27, ભાવનગરમાં 22, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 20, મહીસાગરમાં 16, નર્મદામાં 13, ડાંગમાં 10, અરવલ્લીમાં 9 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં મંગળવારે 17467 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. નવા કેસ વધવાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 134261 થઈ છે. જેમાંથી 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 13406 દર્દીઓ સ્ટેબલ છે. આજે વધુ 28 દર્દીના મૃત્યુ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10302 દર્દીઓના મૃત્યુ થયા છે.