વ્યાપાર

કેપ્ટિવ સોલર-વિન્ડ પ્રોજેક્ટ્સમાં 70 ટકા સુધી વીજ કાપથી ઉદ્યોગો મુશ્કેલીમાં

ગુજરાતમાં ગ્રીન એનર્જી ઓપન એક્સેસ હેઠળ ઉદ્યોગો દ્વારા સ્થાપવામાં આવેલા કેપ્ટિવ સોલર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સમાં છેલ્લા ત્રણ મહિનાથી 50થી 70 ટકા સુધી વીજ ઉત્પાદન કાપ (કર્ટેલમેન્ટ) મૂકવામાં આવતાં ઉદ્યોગજગતમાં ચિંતા ફેલાઈ છે. કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કર્યા બાદ પણ વીજ ઉત્પાદન અટકાવવામાં આવતાં પ્રોજેક્ટ્સની આર્થિક સદ્ધરતા સામે જોખમ ઊભું થયું છે. આ પ્રશ્ને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)એ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉદ્યોગોની મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના સરકારના અભિગમને અનુસરીને ઉદ્યોગોએ કેપ્ટિવ સોલર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ૫૦થી ૭૦ ટકા સુધી વીજ ઉત્પાદન અટકાવવામાં આવતાં ઉદ્યોગો પર અસહ્ય નાણાકીય બોજ પડી રહ્યો છે. આ સ્થિતિમાં પ્રોજેક્ટ્સની આર્થિક સદ્ધરતા જાળવવી મુશ્કેલ બની રહી છે.રાજ્યમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ઉદ્યોગોએ કરેલા મૂડીરોકાણને સુરક્ષિત રાખવા અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી ચેમ્બર દ્વારા માંગ કરવામાં આવી છે.

SLDC અને GETCOને તાત્કાલિક સમીક્ષાના નિર્દેશ આપવા માગ

ચેમ્બરે રજૂઆતમાં જણાવ્યું હતું કે વીજળીની ગ્રીડની સ્થિરતા જાળવવાની જરૂરિયાત સ્વીકાર્ય છે, પરંતુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે નિયમોમાં કરવામાં આવેલી 'મસ્ટ રન' (Must Run)ની જોગવાઈઓનો પણ યોગ્ય અમલ થવો જોઈએ.

ઊર્જા મંત્રીને SLDC (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર), GETCO અને સંબંધિત વીજ વિતરણ કંપનીઓને કર્ટેલમેન્ટની સ્થિતિની તાત્કાલિક સમીક્ષા કરવા સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વીજ ઉત્પાદન કાપ ઘટાડવા માટે નક્કર અને સમયબદ્ધ કાર્યયોજના ઘડવા રજૂઆત કરાઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો