વડોદરા

કૉમેડી શોમાં અશ્લીલ હરકતો કરનાર ભુવન બામની સામે પોલીસે ગુનો દાખલ કર્યો

વડોદરાની પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલા કોમેડી શો દરમિયાન જાણીતા યુટ્યુબર ભુવન બામે અભિનેત્રી સંજીદા શેખ સામે અશ્લીલ ટિપ્પણી અને બિભત્સ હરકતો કરી હોવાના આક્ષેપ સાથે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિવર્સિટીના સિક્યુરિટી હેડે આ મામલે કાયદેસરની તપાસની માંગ કરી છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આવી ટિપ્પણી કે હરકત અંગે તેમને અગાઉથી કોઈ જાણકારી કે સંમતિ નહોતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલા કોમેડી શો દરમિયાન જાણીતા યુટ્યુબર ભુવન બામ દ્વારા કથિત અશ્લીલ ટિપ્પણી અને બિભત્સ હરકતો કરવામાં આવી હોવાનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે યુનિવર્સિટીના સિક્યુરિટી હેડ મહેન્દ્રપ્રતાપસિંઘ રામસહાયસિંઘ (ઉં.વ. 58)એ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત તા. 25 નવેમ્બરના રોજ યુનિવર્સિટીના ખુલ્લા ગ્રાઉન્ડમાં કોમેડી ફેક્ટરી ઇવેન્ટ ગ્રુપ દ્વારા સાંજે 5:30થી 7:30 દરમિયાન 'લવારી' કોમેડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, દીપ વૈદ્ય ઉપરાંત યુટ્યુબર ભુવન બામ અને અભિનેત્રી સંજીદા શેખ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ભુવન બામે સંજીદા શેખને સંબોધીને અશ્લીલ શબ્દો કહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કાર્યક્રમ ચાલુ હતો ત્યારે સોફા પરથી ઊભા થઈ ભુવન બામે બિભત્સ હરકત પણ જાહેરમાં કરી હોવાનો આક્ષેપ છે.

યુનિવર્સિટી દ્વારા માત્ર કોમેડી શો યોજવાની મંજૂરી આપવામાં આવી હતી અને આયોજકોને શૈક્ષણિક સંસ્થાની ગરિમા, પ્રતિષ્ઠા તથા શિસ્ત જાળવવાની સ્પષ્ટ સૂચના અપાઈ હતી. ભુવન બામ દ્વારા આવી ટિપ્પણી કે હરકત કરવામાં આવશે તેની યુનિવર્સિટીને અગાઉથી કોઈ જાણકારી કે સંમતિ નહોતી. યુનિવર્સિટીના સિક્યુરિટી હેડે એક્ટર સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ભુવન બામતાને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો