ગુજરાત

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપના 30થી વધુ નેતાઓને જવાબદારી સોંપાઈ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, જેમાં ગુજરાત ભાજપના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્યના 30થી વધુ નેતાઓને વિવિધ બેઠકો અને સંગઠનાત્મક કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. પૂર્વ મંત્રીઓ, વર્તમાન ધારાસભ્યો અને વિવિધ સ્તરના અગ્રણીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડવામાં આવ્યા છે. જેમાં ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે ગુજરાતના વરિષ્ઠ નેતાઓને વિવિધ જવાબદારીઓ સોંપાઈ છે.

સંગઠન કૌશલ્ય અને ચૂંટણી વ્યૂહરચનામાં નિપુણ ગણાતા ગુજરાતના નેતાઓ પર ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર ભરોસો મૂક્યો છે. આ યાદીમાં પ્રદીપસિંહ જાડેજા, અમિત શાહ (ધારાસભ્ય), પૂર્ણેશ મોદી, દેવુંસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણ સહિત 10 નેતાઓનો સમાવેશ થાય છે.આ તમામ નેતાઓને યુપીના વિવિધ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલી વ્યૂહરચના મુજબ, દરેક નેતા 10 વિધાનસભાનું સંકલન કરશે. સ્થાનિક સંગઠન સાથે તાલમેલ સાધીને ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યા બાદ આ તમામ નેતાઓ સંકલન કરી ભાજપ હાઈકમાન્ડને રિપોર્ટ કરશે. આ ઉપરાંત સ્થાનિક અને સંગઠનાત્મક સ્તરના અગ્રણીઓને પણ ચૂંટણી કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પૂર્વ જિલ્લા પ્રમુખ ઝવેર ઠકરાર, ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા અને પૂર્વ કિસાન મોરચાના અગ્રણી બાબુ જેબલિયાને જવાબદારી સોંપાઈ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુઓને મહત્વની જવાબદારી સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે. માત્ર નેતૃત્વ અને બેઠકોની જવાબદારી પૂરતી જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર માટે પણ ગુજરાતના નેતાઓ મેદાનમાં ઉતરશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો