સુરત

કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે? સુરતમાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ધજાગરા

એક તરફ રાજ્ય સરકાર અને સુરત પોલીસ સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોના કડક પાઠ ભણાવી રહી છે અને હેલ્મેટ વગર નીકળતા, ઓવરસ્પીડ વાહન ચલાવતા કે સ્ટંટબાજી કરતા યુવાનો સામે દંડાત્મક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ કાર્યકરો કાયદાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સુરતમાં સામે આવ્યા છે.

સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વરાછા વિસ્તારમાં આયોજિત બાઈક રેલીમાં ટ્રાફિકના તમામ નિયમોના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો. નરેશભાઈ દેસાઈના આગમન નિમિત્તે શનિવારે બપોરે શ્યામધામ મંદિરથી તાપી ભવન હોલ, ધારૂકા કોલેજ, વરાછા રોડ સુધી યોજાયેલી આ બાઈક રેલીમાં શિસ્તના નામે મીંડું જોવા મળ્યું હતું અને કાર્યકરોએ જાહેર રસ્તાઓ પર સીનસપાટા કર્યા હતા.

રેલી દરમિયાન યુવા મોરચાના મોટાભાગના સભ્યો હેલ્મેટ પહેર્યા વિના જ બાઈક લઈને નીકળી પડ્યા હતા, એટલું જ નહીં પરંતુ બાઈકની પાછળ બેઠેલા કાર્યકરો ચાલુ બાઈકે સીટ પર ઊભા રહીને પક્ષના ઝંડા ફરકાવી જોરશોરથી નારેબાજી કરી રહ્યા હતા. શહેરના બ્રિજ પરથી પસાર થતી વખતે પણ કાર્યકરોએ ઓવરસ્પીડમાં બાઈકો હંકાર્યા હતા, જ્યારે કેટલાક ઉત્સાહી કાર્યકરોએ તો ચાલુ કારના રૂફટોપ પર ચઢી જઈને ધ્વજા લહેરાવી પોતાની અને અન્ય વાહનચાલકોની જિંદગી જોખમમાં મૂકી હતી. સામાન્ય જનતા પાસેથી નાની-નાની ભૂલો બદલ તાત્કાલિક ઈ-મેમો ફાડતી અને દંડ વસૂલતી પોલીસ તંત્રની હાજરી વચ્ચે સત્તાના નશામાં ચૂર કાર્યકરોની આ બેફામ હરકતો સામે કોઈ પગલાં ન લેવાતા શહેરીજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે. નોંધનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમ અને બાઈક રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. નરેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય વિરેન્દ્ર પાટીલ, યુવા મોરચાના પ્રભારી અને શહેર મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડે, મહામંત્રી ડો. ભાવીન શિરોયા, સુરત શહેર યુવા મોરચાના પ્રમુખ બીપીનભાઈ તળાવીયા સહિત યુવા સંગઠનની ટીમ અને કાર્યકરો જોડાયા હતા.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો