ભેસ્તાનમાં બાળકોને કરાટે અને માર્શલ આર્ટ્સની તાલીમ આપતા ક્લાસિસ સાથે સંકળાયેલો વિવાદ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીન મોહમ્મદ સફીક અહમદ અંસારીનો એક સગીરાને તાલીમ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોની નીચે એક વ્યક્તિએ બીભત્સ કોમેન્ટ કરતાં ટ્રેનરે તેના જવાબમાં ઈમોજી મૂક્યું હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ કરાટે ક્લાસની બહાર અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવી કડક કાર્યવાહીની માગ કરી હતી. બીજી તરફ, પોલીસે ટ્રેનરની ધરપકડ કરી છે અને બીભત્સ કોમેન્ટ કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભેસ્તાન ત્રણ રસ્તા નજીક મોહમ્મદ શાહબુદ્દીન કરાટે અને માર્શલ આર્ટ્સના ક્લાસ ચલાવે છે. અહીં નાના બાળકો સહિત વિવિધ વયજૂથના લોકોને તાલીમ આપવામાં આવે છે. ક્લાસના પ્રમોશન માટે ટ્રેનર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાલીમના વીડિયો અપલોડ કરતો હતો. આવા જ એક વીડિયોમાં સગીરા તાલીમ લેતી જોવા મળી હતી. આ વીડિયો પર અન્ય એક વ્યક્તિએ અશોભનીય અને બીભત્સ કોમેન્ટ કરી હતી. જેના જવાબમાં ટ્રેનરે ઈમોજી મૂકતાં સોશિયલ મીડિયા પર મામલો ચર્ચામાં આવ્યો હતો.
વીડિયો અને કોમેન્ટનો મુદ્દો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો કરાટે ક્લાસની બહાર એકઠા થયા હતા. તેમણે ટ્રેનર સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કાર્યકરો ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસની ટીમે સગીરા અને તેના માતા-પિતાને બોલાવી પૂછપરછ કરી હતી. તેમનાં નિવેદનો અને વીડિયોગ્રાફી સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યાં હતાં. કરાટે ક્લાસના સંચાલક અને ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીન મોહમદ શરીફ અહેમદ (ઉં.વ.28,રહે.ગોલ્ડન આવાસ, ભેસ્તાન)ની પણ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેનરે બીભત્સ કોમેન્ટ સામે ઈમોજી મૂકવાનું પોતાની શરતચૂક ગણાવ્યું હતું. અને પોતે ભણેલો ન હોવાથી ગુજરાતી વાંચી શકતો ન હોવાનું જણાવ્યું હતું.જોકે, સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ACP એન.પી. ગોહિલે જણાવ્યું હતું કે, સગીરાને તાલીમ આપતા વીડિયો પર અન્ય વ્યક્તિએ બીભત્સ કોમેન્ટ કરી હતી અને ટ્રેનરે ઈમોજીથી પ્રતિક્રિયા આપી હતી. આ કોમેન્ટ કરનાર વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા તપાસ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે જરૂરી અટકાયતી પગલાં પણ લીધાં છે.
ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટ મુદ્દે પણ સવાલો
વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરોએ કરાટે ક્લાસની મંજૂરી, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષાની વ્યવસ્થાની તપાસ કરવાની માગ કરી હતી. ક્લાસિસમાં ફાયર સેફ્ટીનાં સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત CCTV કેમેરા સહિતની સુવિધાઓની ચકાસણી કરવાની માગ કરવામાં આવી હતી.ઉધના જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી સંજયભાઈ પાઠકે ક્લાસિસ સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.