સાવલી : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગોકળપુરા અને ધનતેજ ગામને જોડતા માર્ગ પર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવનિર્મિત ગરનાળાના બાંધકામ સામે ભ્રષ્ટાચારની આશંકા સાથે ગંભીર સવાલો ઊભા થયા છે. દિવાળી પહેલાં જ તૈયાર કરવામાં આવેલા અંદાજે 30 મીટર લાંબા ગરનાળાની દીવાલમાંથી માત્ર પગની ઠોકર મારતાં કે પથ્થરનો હળવો ઘા કરતાં જ સિમેન્ટ, રેતી અને કોંક્રિટના પોપડા ઉખડવા લાગ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બાંધકામની આ સ્થિતિને પગલે ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ભારે વાહનો પસાર થાય તે પહેલાં જ ગરનાળાની ગુણવત્તા સામે સવાલો
સરકાર દ્વારા ધનતેજથી ગોકળપુરા ગામને જોડતો માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે રસ્તા પર બે ગરનાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બાંધકામ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ગરનાળાની દીવાલમાંથી કોંક્રિટના પોપડા ઉખડવા લાગતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાંધકામમાં સરકારી ધારાધોરણોનું પાલન થયું નથી અને સંબંધિત વિભાગના અધિકારીઓના સુપરવિઝનનો પણ અભાવ રહ્યો હોવાની આશંકા છે. જો પગની સામાન્ય ઠોકરથી જ દીવાલનું મટિરિયલ ખરવા લાગે છે, તો ભવિષ્યમાં આ માર્ગ પરથી ભારદારી વાહનો પસાર થશે ત્યારે ગરનાળાની મજબૂતી કેટલી ટકી શકશે તે મોટો પ્રશ્ન છે. પ્રથમ ચોમાસામાં જ આ બાંધકામ બેસી જવાની પણ ગ્રામજનોને ભીતિ છે.
તટસ્થ ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ
આ મામલે સ્થાનિક નાગરિક ઇન્દ્રજીતસિંહ સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રસ્તો અને ગરનાળાં મંજૂર કરવામાં આવ્યાં છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરી તકલાદી કામગીરી કરવામાં આવી હોવાના કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે. આ ગરનાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય તેવી શક્યતા છે.
તેમણે વધુમાં માંગ કરી હતી કે સમગ્ર બાંધકામની નિષ્પક્ષ અને તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે, વપરાયેલા મટિરિયલના નમૂનાઓની ચકાસણી કરાવવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર ફરિયાદને કેટલી ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરે છે કે પછી સરકારી નાણાંના ખર્ચે થયેલા આ બાંધકામની ગુણવત્તા સામેના સવાલો વણઉકેલ્યા જ રહેશે.