વાપી

વાપીમાં પોલીસની નશાના કારોબાર પર કાર્યવાહીઃ ત્રણ જગ્યા ઉપર ગાંજા સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા

વાપી વિસ્તારના ચણોદ, ભડકમોરા અને અજીતનગરમાંથી એલસીબી તથા વાપી ઉદ્યોગનગર અને ટાઉન પોલીસ ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા અને એનડીપીએસ એકટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. જેમાં ચણોદ કોલોનીના એપાર્ટમેન્ટમાં ભાડેના ફલેટમાં રહેતા ઈસમ પાસેથી 189 ગ્રામ, ભડકમોરા પાનના ગલ્લાવાળા પાસેથી 10.399 કિલોગ્રામ અને વાપી  ચલા અજીતનગરના મેદાનમાં બાઈક લઈને ઊભા ઈસમ પાસેથી 257 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો.

વાપી ઉદ્યોગનગર પોલીસ દ્વારા ચણોદ કોલોનીથી 189 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો

 વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસને મળેલી ચોક્કસ બાતમી આધારે, વાપી ચણોદ કોલોની સ્થિત શાળાની બાજુમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટમાં રેડ કરી હતી. જયાં હાજર ઈસમનું નામઠામ પૂછતા શિવમ સુરેશ સરકાર (મૂળ રહે. પશ્ચિમ બંગાળ) હોવાનું અને ધોરણ 8 ભણ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘરની તલાશી કર્યા બાદ શિવમની પાસેથી પ્લાસ્ટીકની થેલીમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ એફએસએલ ટીમ આવી નાર્કોટીકસ ટેસ્ટીંગ કીટ વડે રાસાયણિક પરિક્ષણ કરતા સકારાત્મક પરિણામ આવ્યું હતું. ઝડપાયેલા ગાંજાનું વજન 189 ગ્રામ હતું જેની કિંમત 9,450/- આંકી હતી. પોલીસે અંગઝડતી કરતા એક મોબાઈલ ફોન તથા રોકડા 200 મળ્યા હતાં. પોલીસે શિવમની વધુ પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો દાભેલથી અજાણ્યા ઈસમ પાસેથી રોકડા 6 હજારમાં લઈ આવ્યો હતો અને પોતાના ભાડાના ફલેટમાં છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂા.14,650/-નો મુદ્દામાલ કબજે લઈ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

એલસીબી ટીમે વાપી ભડકમોરાથી 10.399 કિલોગ્રામ ગાંજો ઝડપ્યો

વલસાડ એલસીબી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઈ. અજય અમલા ચાધરીને મળેલી બાતમી આધારે, વાપી ભડકમોરા, મોટી સુલપડ સ્થિત મામા પાન સેન્ટરના નામથી ઓળખાતા પાનના ગલ્લા ઉપર રેડ કરી હતી. પાનના ગલ્લા પર હાજર ઈસમનું નામઠામ પૂછતા નવીનકુમાર રામકલેશ્વર નાગેશ્વર ઝા (ઉં.42, રહે. ચણોદ, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, વાપી, મૂળ બિહાર) હોવાનું અને ધો.10 ભણેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પાનના ગલ્લાની તપાસ હાથ ધરતા પ્લાસ્ટીકની થેલીમાંથી શંકાસ્પદ પડીકીઓ મળી આવી હતી. ત્યારબાદ એફએસએલ ટીમ આવી નાર્કોટીકસ ટેસ્ટીંગ કીટ વડે રાસાયણિક પરિક્ષણ કરતા સકારાત્મક પરિણામ આવ્યું હતું. કેનાબીસના સક્રિય ઘટક તત્વોની હાજરીવાળો નશાકારક માદક પદાર્થના જથ્થાનું વજન 10.399 કિલોગ્રામ જેની કિંમત 5,19,950/- આંકી હતી. પોલીસે વધુ પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્થો ગુપ્તાજી ગોલીવાલા (રહે. વાપી, ગીતાનગર)એ જૂના ગરનાળા પાસે આપ્યો હતો અને તે પાનના ગલ્લા ઉપર છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો મળી કુલ રૂા.5,24,950/-નો મુદ્દામાલ કબજે લઈ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

વાપી ટાઉન પોલીસે ચલા અજીતનગરથી બાઈકચાલક પાસે 257 ગ્રામ ગાંજો ઝડપ્યો

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે વર્ણવેલ સ્થળ ચલા અજીત નગરના ખુલ્લા મેદાનમાં બાઈક લઈને ઊભા શંકાસ્પદ ઈસમ પાસે પહોંચી હતી અને તેનું નામઠામ પૂછતા મનોહરસિંહ બાબુસિંહ રાજપુરોહિત (ઉં.33, રહે. કુંભારવાડ, જયસ્વાલ એપાર્ટમેન્ટ, વાપી, મૂળ રાજસ્થાન) હોવાનું અને પોતે શાકભાજીનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે ઝભલા કોથળીમાં તપાસ કરતા નાની પડીકીઓ મળી આવી હતી જે અંગે પૂછતા ગાંજાનો જથ્થો હોવાનું જણાવતો હતો. ત્યારબાદ એફએસએલ ટીમ આવી નાર્કોટીકસ ટેસ્ટીંગ કીટ વડે રાસાયણિક પરિક્ષણ કરતા સકારાત્મક પરિણામ આવ્યું હતું. પોલીસે વધુ પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્થો દાભેલ દમણમાં રહેતો કાલુ નામના ઈસમ પાસેથી લાવ્યો હતો અને છૂટકમાં વેચાણ કરવાનો હતો. ગાંજાનું વજન 257 ગ્રામ જેની કિંમત 12,850/- આંકી હતી. પોલીસે બાઈક, મોબાઈલ ફોન અને ગાંજાનો જથ્થો મળી કુલ રૂા.77,850/-નો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો