સુરત

ભાઠામાં ભૂસ્તર વિભાગનો દરોડો, રૂ.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેર નજીક આવેલા ભાઠા ગામ પાસે તાપી નદીના પટમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયો છે. રેતીચોરી અંગે મળેલી ટેલિફોનિક ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગે ઓચિંતો દરોડો પાડીને રૂ.૩૫ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં નદીમાંથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન, રેતી ભરેલી નાવડી અને અંદાજે ૬૦ મેટ્રિક ટન જેટલો ગેરકાયદે રેતીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જોકે, આટલા મોટા પાયે ચાલતી રેતીચોરી પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે તેવા ઈસમોનાં નામ મોડી સાંજ સુધી બહાર આવી શક્યાં ન હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ભૂસ્તર વિભાગને ભાઠા ગામ પાસે તાપી નદીના કિનારે ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ખનન થતું હોવાની ટેલિફોનિક ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અચાનક દરોડો પાડતાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પર રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન, રેતી ભરેલી નાવડી અને આશરે ૬૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ.૩૫ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. તાપી નદીના પટમાં આ પ્રકારે બેફામ ગેરકાયદેસર ખનન થવાથી સરકારી રોયલ્ટીની આવકને નુકસાન થવાની સાથે નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણ સામે પણ જોખમ ઊભું થાય છે. ખાસ કરીને મશીનરી અને નાવડીની મદદથી મોટા પ્રમાણમાં રેતી કાઢવામાં આવતી હોવાની બાબત આ પ્રવૃત્તિના વ્યાપ સામે સવાલ ઊભા કરે છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી રેતી ખનન સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ દરોડા બાદ ગેરકાયદે ખનનના મૂળ સુધી તપાસ પહોંચે છે કે કેમ અને તેની પાછળના મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

૬૦ મેટ્રિક ટન રેતીની માપણી, જવાબદારોની શોધખોળ
ભૂસ્તર વિભાગે જપ્ત કરાયેલા હિટાચી મશીન, નાવડી અને રેતીના જથ્થા સહિત રૂ.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જપ્ત કરાયેલી રેતીના જથ્થાની માપણી અને મૂલ્યાંકન કરવાની સાથે ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કયા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જવાબદાર ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડ વસૂલવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. જોકે, દરોડા બાદ પણ રેતીચોરીના અસલી ખેલાડીઓનાં નામ જાહેર ન થતાં તપાસના પરિણામો પર નજર રહેશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો