સુરત

સુરતના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા મનપાની વિશેષ પહેલ, ચોકબજાર કિલ્લાથી ડચ સીમેટ્રી સુધી હેરિટેજ વોકનો પ્રારંભ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક વિરાસતને નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે જ 150 થી 200 જેટલા શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સુરતના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની ઝલક કરાવવા માટે મનપાએ ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાથી ડચ સીમેટ્રી સુધીનો રૂટ નક્કી કર્યો છે, જ્યાં ચાલતા નાગરિકોને શહેરની સ્થાપત્ય કલા, દેશ-વિદેશના વેપારી ઇતિહાસ અને સાંસ્કૃતિક ધરોહર વિશે નજીકથી જાણવાની તક મળે છે. આ વારસાને માત્ર પુસ્તકો કે દસ્તાવેજો પૂરતો મર્યાદિત ન રાખતા પ્રત્યક્ષ અનુભવ દ્વારા યુવાનો અને નવી પેઢી સમક્ષ મૂકવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ હેરિટેજ વોક હવેથી દર રવિવારે સવારે 7:30 વાગ્યે કિલ્લાથી શરૂ થઈ ડચ સીમેટ્રી ખાતે સમાપ્ત થશે, જેથી વ્યસ્ત સપ્તાહના અંતે શહેરીજનો સવારના શાંત વાતાવરણમાં પોતાના વારસા પ્રત્યે ગૌરવ અને સંરક્ષણની ભાવના કેળવી શકે.

હેરિટેજ વોકના વ્યવસ્થિત આયોજન અને મુલાકાતીઓને ઐતિહાસિક સ્થળોની સુવ્યવસ્થિત માહિતી મળી રહે તે માટે સંચાલન અને માર્ગદર્શનની કામગીરી એક ટ્રાવેલ સંસ્થાને સોંપવામાં આવી છે. આગામી રવિવારથી યોજાનારી હેરિટેજ વોક માટે મહાનગરપાલિકા તરફથી ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક શેર કરવામાં આવશે, જેના માધ્યમથી વધુમાં વધુ શહેરીજનો અગાઉથી સરળતાથી નોંધણી કરાવી શકશે અને સંખ્યાનું પણ સુચારુ સંચાલન થઈ શકશે. આ અંગે સુરત મહાનગરપાલિકાના કિલ્લામાં ફરજ બજાવતા પૃથ્વી ડાંગણેકરે જણાવ્યું હતું કે, આજ રોજ યોજાયેલી હેરિટેજ વોકમાં શહેરીજનોનો ખૂબ જ સારો અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમાં અંદાજે 150 થી 200 લોકો જોડાયા હતા અને આગામી રવિવારોમાં પણ આ જ રીતે વધુને વધુ લોકો ઉત્સાહભેર જોડાતા રહેશે તેવી અપેક્ષા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો