સુરત

વાય જંકશન પર બ્લેક ફિલ્મવાળી સ્કોડા કારચાલક યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા

વાય જંકશન સિગ્નલ પાસે બ્લેક ફિલ્મવાળી સ્કોડા કાર રોકવાનો પ્રયાસ કરતાં કારચાલક યુવતીએ ટ્રાફિક જવાન પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કાર લોક કરી પાંચ મિનિટ સુધી પોલીસને બહારથી કાચ ખખડાવવા મજબૂર કરી હતી. પોલીસે બેરિકેડ મૂકી કારને કોર્ડન કરી તપાસ કરતાં યુવતી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર ડિટેઇન કરી RTOનો મેમો ફટકાર્યો હતો.

​વાહન સાઇડમાં લેવાને બદલે જવાન પર કાર હંકારી

​સૂત્રો પાસે પ્રાપ્ત વિગતો અનુસાર, વાય જંકશન સિગ્નલ પર ટ્રાફિક પોલીસ નિયમન કરી રહી હતી. તે દરમિયાન કાળા કાચવાળી એક સ્કોડા કાર પોલીસની નજરે ચઢી હતી. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ફરજ પરના જવાને કારચાલક યુવતીને વાહન સાઇડમાં લેવા ઇશારો કર્યો હતો. જોકે, યુવતીએ કાર સાઇડમાં લેવાને બદલે અચાનક એક્સિલરેટર દબાવી કાર આગળ હંકારી હતી. આ દરમિયાન ટ્રાફિક જવાન પર કાર ચઢાવવાનો પ્રયાસ થતાં જવાને સમયસર ખસી જઈ પોતાનો બચાવ કર્યો હતો.

​PSIએ પાંચ મિનિટ કાચ ખખડાવ્યા છતાં દરવાજો ન ખોલ્યો

​ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર હાજર ટ્રાફિક PSI સહિતનો સ્ટાફ તાત્કાલિક કાર પાસે દોડી ગયો હતો. PSIએ યુવતીને બહાર આવવા સૂચના આપી હતી અને આશરે પાંચ મિનિટ સુધી કારના કાચ ખખડાવ્યા હતા. જોકે, યુવતીએ કારના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા અને પોલીસની સૂચના છતાં બહાર આવવા તૈયાર થઈ નહોતી.

​બેરિકેડ ગોઠવી કારને કોર્ડન કરાઈ

​કારના કાચ પર ડાર્ક બ્લેક ફિલ્મ હોવાથી અંદર શું ચાલી રહ્યું છે તે સ્પષ્ટ દેખાતું નહોતું. યુવતી ફરી કાર હંકારી ન જાય તેવી આશંકાથી પોલીસે કારની આગળ અને પાછળ લોખંડનાં બેરિકેડ ગોઠવી તેને કોર્ડન કરી હતી. ત્યારબાદ યુવતીએ કારનો કાચ નીચે ઉતાર્યો હતો.

​"દસ્તાવેજો ન હોવાથી ગભરાઈ ગઈ હતી" – યુવતીની કબૂલાત

​પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના જરૂરી દસ્તાવેજો ન હોવાનું બહાર આવ્યું હતું. યુવતીએ દસ્તાવેજો ન હોવાને કારણે ગભરાઈ ગઈ હોવાનું અને ગભરાટમાં કાર આગળ વધારી દીધી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

​કાર ડિટેઇન, રૂ. 5,000થી વધુના દંડની શક્યતા

​ટ્રાફિક પોલીસે નિયમભંગ બદલ કાર્યવાહી કરતાં બ્લેક ફિલ્મ લગાવેલી સ્કોડા કાર ડિટેઇન કરી હતી. પ્રતિબંધિત બ્લેક ફિલ્મ અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ RTOનો મેમો પણ આપવામાં આવ્યો છે. વિવિધ નિયમભંગ બદલ રૂ. 5,000થી વધુનો દંડ થઈ શકે તેવી શક્યતા છે. આ મામલે વધુ વિગતો મેળવવા ACP ટંડેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો