છોટા ઉદેપુર જિલ્લો

ખાડાથી બચવાનો પ્રયાસ ભારે પડ્યો: ટ્રકની અડફેટે બાઈક સવાર મહિલા કચડાઈ, ઘટનાસ્થળે જ મોત

નસવાડી: નસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરના ખાડાને બચાવવાના પ્રયાસ દરમિયાન ટ્રકની મોટરસાયકલ સાથે ટક્કર થતાં પાછળ બેઠેલી મહિલાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકચાલકને ઈજા પહોંચી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, કવાંટ તરફથી ટ્રક પસાર થઈ રહી હતી અને તેની આગળ મોટરસાયકલ જઈ રહી હતી. દરમિયાન રસ્તા પર આવેલા ખાડાને બચાવવા ટ્રકચાલકે વાહન હંકારી જતાં મોટરસાયકલને ટક્કર વાગી હતી. ટક્કરના પગલે બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે ફંગોળાઈને દૂર પટકાયો હતો. જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલી મહિલા પણ ફંગોળાઈને ટ્રકનાં ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક મહિલા કવાંટ તાલુકાની, બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગંભીર રીતે કચડાઈ જવાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નસવાડી ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કવાંટ તાલુકાના ખંડીબારા ગામની મધલીબેન શંભુભાઈ રાઠવા તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેનું નામ અને તબિયત અંગેની વધુ વિગતો સામે આવી નથી.

પોલીસે ટ્રકચાલકને ટ્રક સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ

અકસ્મતાની જાણ થતાં નસવાડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રકચાલકને ટ્રક સાથે નસવાડી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે.

નોંધ; તસવીર કાલ્પનિક અને પ્રતિકાત્મક છે

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો