ગાંધીનગર: ભાજપાના અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ પ્રદેશ કારોબારી બેઠક કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાઈ હતી. પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકને સંબોધતાં તરુણ ચૂઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધી રહ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના લાંબા શાસનકાળ દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરને યોગ્ય સન્માન મળ્યું નહોતું, જ્યારે મોદી સરકારે તેમના જીવન સાથે જોડાયેલા પાંચ ઐતિહાસિક સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવ્યાં છે. તેમણે આગામી 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીમાં મોરચાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે તેમ જણાવી કાર્યકર્તાઓને સમાજ સાથે સતત સંપર્ક અને સંવાદ જાળવવા તેમજ બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવ્યું: જગદીશ વિશ્વકર્મા
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાના ત્રણ દાયકાના શાસનમાં અનુસૂચિત જાતિ સમાજના સામાજિક અને આર્થિક જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. સમાજના યુવાનો શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આગળ વધે, આર્થિક રીતે સદ્ધર બને અને સામાજિક જાગૃતિ વધે તે દિશામાં પણ કામગીરી કરવા તેમણે અપીલ કરી હતી.
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે મોરચાની પ્રવૃત્તિઓ રાજ્યના દરેક વિસ્તારમાં વ્યાપક બનાવવા અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. કિરીટ સોલંકી અને પ્રદેશ પ્રભારી હિતેશ પટેલે પણ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્થાન માટે હાથ ધરાયેલી યોજનાઓની વિગતો રજૂ કરી હતી.
બેઠકમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય શંભૂનાથ ટુંડીયા સહિત સાંસદો, ધારાસભ્યો, મેયરો, જિલ્લા પંચાયતના પ્રમુખો તથા રાજ્યભરના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.